ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ગેરકાયદે અમેરિકા મોકલતા એજન્ટ સહિત 3 સામે CIDમાં ફરિયાદ

  • નવો પાસપોર્ટ લેવા ફરિયાદીએ અરજી કરતા કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ થયો
  • અમેરિકાના વિઝા લેવા માટે એજન્ટે દસ વર્ષ પહેલા બોગસ વિઝાના સ્ટેમ્પ મારેલા
  • નવો પાસપોર્ટ કઢાવવા માટે તેઓએ 2019માં અરજી કરી નવો પાસપોર્ટ કઢાવ્યો

અમદાવાદ શહેરમાં ગેરકાયદે અમેરિકા મોકલતા એજન્ટ સહિત 3 સામે CIDમાં ફરિયાદ થઇ છે. જેમાં અમેરિકાના વિઝા લેવા માટે એજન્ટે દસ વર્ષ પહેલા બોગસ વિઝાના સ્ટેમ્પ મારેલા પાસપોર્ટની મૂદત પુરી થતા નવો પાસપોર્ટ લેવા ફરિયાદીએ અરજી કરતા કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ થયો હતો. પાસપોર્ટ અધિકારીએ બોગસ વિઝા સ્ટેમ્પ લાગેલા પાસપોર્ટ ધારકે અરજી કરી નવો પાસપોર્ટ કઢાવ્યા બાદ પાસપોર્ટ કચેરીએ સીઆઈડી ક્રાઈમને જાણ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કયા છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

પાસપોર્ટમાં જુદા જુદા દેશોના વિઝાના સ્ટિકર માર્યાનો ઘટસ્ફોટ કર્યો

આ તપાસમાં બોગસ વિઝા સ્ટેમ્પ મારેલા પાસપોર્ટ ધારકની પૂછપરછમાં એજન્ટે અમેરિકાના વિઝા અપાવવા માટે પાસપોર્ટમાં જૂદા જૂદા દેશોના વિઝાના સ્ટિકર માર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. મહેસાણા જિલ્લાના સાંગણપુર ગામે રહેતાં અને દરજી કામ કરતા લાલજીભાઈ ડાહ્યાલાલ દરજીની ફરિયાદ આધારે સીઆઈડી ક્રાઈમે શાહીબાગ ડફનાળા પાસે અનિલ ફલેટમાં રહેતાં જગદીશ જોઈતારામ પટેલ, મહેસાણાના આખજ ગામે રહેતાં જીવાભાઈ ગાંડાભાઈ પટેલ અને મહેસાણાના સાંગણપુર ગામે રહેતાં જીતેન્દ્ર બાબુલાલ પ્રજાપતિ સામે મંગળવારે ગુનો દાખલ કર્યો છે.

નવો પાસપોર્ટ કઢાવવા માટે તેઓએ 2019માં અરજી કરી નવો પાસપોર્ટ કઢાવ્યો

લાલજીભાઈની ફરિયાદ મુજબ તેઓએ 2018માં પાસપોર્ટની મુદત પુરી થતા નવો પાસપોર્ટ કઢાવવા માટે તેઓએ 2019માં અરજી કરી નવો પાસપોર્ટ કઢાવ્યો હતો. આ દરમિયાન ફરિયાદીના ઘરે પાસપોર્ટ ઓફિસનો ઓગસ્ટ,2023ના રોજ લેટર આવ્યો હતો. જે આધારે તેઓ નવો અને જૂનો પાસપોર્ટ લઈ ગત સપ્ટેમ્બર-2023 માં રિજીયોનલ પાસપોર્ટ અધિકારી સમક્ષ હાજર રહ્યા હતા. પાસપોર્ટ અધિકારીએ તમે કેટલા દેશમાં ફરી આવ્યા તેવો સવાલ કરતા ફરિયાદીએ કયાંય ના ગયાની વાત કરી હતી. અધિકારીએ બંને પાસપોર્ટ લઈ સરેન્ડર લેટર આપ્યો હતો. તે પછી લાલજીભાઈને 2024માં સીઆઈડી ક્રાઈમમાં બોલાવવામાં આવ્યા હતા.

દંપતિને 35 લાખમાં અમેરિકા મોકલવાનો ભાવ નક્કી કર્યો હતો

લાલજીભાઈએ સીઆઈડી ક્રાઈમમાં જણાવ્યું હતું કે,2014માં તેઓને એજન્ટ જગદીશ પટેલ સહિતના લોકોએ દંપતિને 35 લાખમાં અમેરિકા મોકલવાનો ભાવ નક્કી કર્યો હતો. તે પછી પાસપોર્ટ લઈ એજન્ટે જૂદા જૂદા દેશોના વિઝાના બોગસ સ્ટેમ્પ ફરિયાદી અને તેમના પત્નીના પાસપોર્ટમાં માર્યા હતા. તે પછી એજન્ટે દંપતીને વિઝા ઈન્ટરવ્યુ માટે મુંબઈ મોકલ્યા જો કે, તેઓને વિઝા મળ્યા ન હતા. તે પછી 2018માં લાલજીભાઈના પાસપોર્ટની મુદત પુરી થતા તેઓએ નવા પાસપોર્ટ અરજી કરીને કઢાવ્યા બાદ પાસપોર્ટ કચેરીએ તેમના પાસપોર્ટ લઈ લીધા હતા. સીઆઈડી ક્રાઈમની તપાસમાં લાલજીભાઈ દરજીના નામનો બીજો પાસપોર્ટ મુંબઈથી નિકળ્યો હતો. આ પાસપોર્ટ એજન્ટ જગદીશ પટેલે તેઓ પાસેથી લીધેલા ડોક્યુમેન્ટ આધારે કઢાવ્યાનું અને અન્ય વ્યક્તિને વિદેશ મોકલી દીધાની શંકા છે.

Back to top button