ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ

રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સેવા આપતા વીઝીટીંગ સુપર સ્પે.તબીબોના વેતનમાં વધારો

  • પીડિયાટ્રીશીયન-જનરલ ફિઝિશીયનને પ્રતિ દિન રૂ.૩,૦૦૦ અપાશે
  • અન્ય સુપર સ્પેશીયાલીસ્ટ તબીબોને પ્રતિ દિન રૂ.૨,૦૦૦ અપાશે
  • મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબોને પ્રતિ ૩ કલાકના રૂ.૮,૫૦૦ ચૂકવાશે

ગાંધીનગર, 1 ઓક્ટોબર : રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સી.એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો / સુપર સ્પેશીયાલીસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા આ તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે અપાતા વેતનમાં હવે વધારો કરાયો છે.

મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, પીડિયાટ્રીશીયન અને જનરલ ફિઝિશીયનને પ્રતિ દિન રૂ. ૩,૦૦૦ તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરોને પ્રતિ દિન રૂ. ૨,૦૦૦ માનદ વેતન ચૂકવવામાં આવશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુત્તમ 3 કલાકની ફરજીયાત સેવાઓ આપવાની રહેશે. આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડોકટરોને રૂ. ૩૦૦ થી ૨,૦૦૦ સુધીનું ઈન્સેન્ટીવ પણ મળવાપાત્ર રહેશે. સર્જરી દરમિયાન એનેસ્થેટીસ્ટની સેવાઓ લેવામાં આવે તો આવી આવી સર્જરીની અત્યારે જે પ્રોત્સાહક રકમ છે, તે રકમની ૫૦ ટકા રકમ અલગથી એનેસ્થેટીસ્ટને આપવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, આ તજજ્ઞ ડોકટરો કોઇપણ મર્યાદા વગર મહિનામાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ સેવા આપી શકશે. ડોકટરોએ આપેલી સેવાઓના આધારે જ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે. સાથે જ, તજજ્ઞ ડોક્ટરો પાસેથી સી.એમ સેતુ યોજના હેઠળ લેવામાં આવતી સેવાઓ બદલ ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ તેમને કોઇપણ લાભ મળવાપાત્ર રહેશે નહિ. તજજ્ઞ ડોકટરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઇન્સેન્ટીવ વિતરણના ક્રાઈટેરીયા મુજબ વિતરણ માટે વરાળે આવતી રકમ પાછી રોગી કલ્યાણ સમિતિમાં જમા રાખવાની રહેશે.

આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ અથવા GMERS સંચાલીત મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વીઝીટીંગ સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરોને અગાઉ પ્રતિ ત્રણ કલાક માટે રૂ.૨,૭૦૦ ચૂકવવામાં આવતા હતા, જેમાં વધારો કરીને હવે રોજના રૂ.૮,૫૦૦ માનદ વેતન ચૂકવવામાં આવશે. તદુપરાંત, નોન સર્જીકલ સુપર સ્પેશ્યાલીટીવાળા સ્પેશ્યાલીસ્ટને દિવસના રૂ.૮,૫૦૦ મુજબ અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ તેઓ સેવા આપી શકશે. જેની સામે આ તબીબોએ લઘુત્તમ ત્રણ કલાક ફરજીયાત સેવાઓ આપવાની રહેશે.

Back to top button