કાનપુર ટેસ્ટ : બાંગ્લાદેશના સુપડા સાફ, ભારતની 7 વિકેટે ચમત્કારીક જીત
- ભારતને મળ્યો હતો 95 રણનો ટાર્ગેટ
- જયસ્વાલે 51 રનની ઈનિંગ રમી
- સીરિઝમાં ક્લીન સ્વિપ કરાઈ
કાનપુર, 1 ઓક્ટોબર : ભારતે કાનપુર ટેસ્ટ મેચ 7 વિકેટે જીતી લીધી છે. આ રીતે ભારતીય ટીમે શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે. બાંગ્લાદેશે અંતિમ દિવસે ભારતીય ટીમને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ભારતે માત્ર 3 વિકેટના નુકસાન પર હાંસલ કર્યું હતું, આ પહેલા રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે 280 રનથી જીત મેળવી હતી.
યશસ્વી જયસ્વાલે 51 રન ફટકાર્યા
મળતી માહિતી મુજબ, કાનપુર ટેસ્ટમાં ભારતને જીતવા માટે 95 રનનો સ્કોર મળ્યો હતો પરંતુ રોહિત શર્મા (8) રનના રૂપમાં ભારતીય ટીમને પહેલો ઝટકો મેહદી હસન મિરાજે આપ્યો હતો. આ પછી આવેલા શુભમન ગિલ (6)એ આવતાની સાથે જ સિક્સર ફટકારી હતી, પરંતુ તે ફરીથી મેહદીની સ્પિનમાં કેચ થઈ ગયો હતો અને એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. આ પછી યશસ્વી જયસ્વાલે આઉટ થતા પહેલા 51 રન બનાવ્યા હતા.
વિનિંગ બાઉન્ડ્રી પંતે ફટકારી
આ મેચની વિજેતા બાઉન્ડ્રી પંતના બેટમાંથી આવી હતી. વિરાટ કોહલી 29 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. પાંચમા દિવસે બાંગ્લાદેશની ટીમ બીજા દાવમાં માત્ર 146 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી બુમરાહ, અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશ બીજા દાવમાં 146 રનમાં ઓલઆઉટ થયું હતું બીજા દાવમાં બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. મહેમાન ટીમે 18 રનના સ્કોર પર ઝાકિર હસનની વિકેટ ગુમાવી દીધી હતી. ઝાકિર આર અશ્વિનના બોલ પર LBW આઉટ થયો હતો. ઝાકિરે 15 બોલનો સામનો કર્યો અને 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ અશ્વિને નાઈટવોચમેન હસન મહમૂદ (4)ને પણ સસ્તામાં આઉટ કર્યો હતો.
આ પછી, મેચના અંતિમ દિવસે (1 ઑક્ટોબર), અશ્વિનનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો, તેણે પ્રથમ દાવના સદી કરનાર મોમિનુલ હક (2)ને લેગ સ્લિપમાં કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો. બાંગ્લાદેશી ટીમને ચોથો ફટકો કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો (19)ના રૂપમાં લાગ્યો હતો. જે રવિન્દ્ર જાડેજાના બોલ પર રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે બોલ્ડ થયો હતો. ત્યારબાદ બાંગ્લાદેશી ટીમનો સ્કોર 91 રન હતો. 93 રન પર અડધી સદી ફટકાર્યા બાદ માત્ર 2 રન બાદ શાદમાન ઈસ્લામ (50) આકાશ દીપના બોલ પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો હતો.
આ પછી જાડેજાનો જાદુ એક વાર કામ કરી ગયો અને તેણે લિટન દાસ (1)ને ઋષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. તે સમયે બાંગ્લાદેશી ટીમનો સ્કોર 94 રન હતો. આ સ્કોર પર જાડેજાએ અનુભવી શાકિબ અલ હસન (0)ને કેચ એન્ડ બોલ્ડ આઉટ કર્યો હતો. આ રીતે બાંગ્લાદેશી ટીમની 3 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી.
ત્યારબાદ બુમરાહ આવ્યો અને તેણે મેહદી હસન મિરાજ (9)ને આઉટ સ્વિંગ પર વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. મેહદીના આઉટ થયા બાદ બાંગ્લાદેશ ટીમનો સ્કોર 118/8 હતો. આ પછી બાંગ્લાદેશી ટીમ 146 રનમાં સમેટાઈ ગઈ હતી. મુશફિકુર રહીમ (37) આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશ દીપને સફળતા મળી હતી.