અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ચાંદખેડામાં આવેલા કાપડના ગોડાઉનના ભોંયરામાં લાગી ભીષણ આગ, ફાયરની 9 ગાડી દોડી

Text To Speech

અમદાવાદ, 1 ઓકટોબર, રાજ્યમાં આગના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલને આગના રોજે રોજ પાંચ કોલ મળે છે. ત્યારે આજે વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇવે પર ડી માર્ટ પાસે આવેલા કાપડના ગોડાઉનના ભોંયરામાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 જેટલી ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભોંયરામાં આગ લાગી હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પહેલા માળ સુધી આગ પહોંચી ગઈ હતી.

આજે સવારે 7:00 વાગ્યાની આસપાસ ચાંદખેડા વિસ્તારમાં ડી માર્ટની પાછળ અવની બંગ્લોઝના ભાગે UNITED 18ના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આસપાસના સ્થાનિક રહીશોએ આગ લાગેલી જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે તેમાં મોટા પ્રમાણમાં કાપડના જથ્થા સાથેનું ગોડાઉન કેવી રીતે બનાવવામાં આવ્યું અને તેને મંજૂરી હતી કે કેમ તેને લઈને સવાલ ઊભા થયા છે.

ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ હતા. આગ કાબૂમાં આવી ગઈ છે પરંતુ કાપડનું ગોડાઉન હોવાથી ભોયરામાં ખૂબ ધૂમાડો હોવાથી કામગીરી કરવામાં આવી રહી છે. બ્લોરની મદદથી ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. બે થી ત્રણ કલાક સુધી હજી કુલિંગ અને ધુમાડો બહાર કાઢવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો…અમદાવાદ : એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ માણી ફ્રેશર્સ પાર્ટી

Back to top button