ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગીધ નામશેષ થવાના આરે, જાણો કેમ!

  • ગુજરાતમાં 24 જિલ્લાઓમાં ગીધ જોવા મળે છે
  • શક્કરબાગમાં બ્રિડિંગ સેન્ટર છે તેને અત્યાધુનિક બનાવવાની પણ માગ ઊઠી
  • વર્ષ 2005માં રાજ્યમાં ગીધની વસ્તી 2,135 હતી

ગુજરાતમાં ગીધ નામશેષ થવાના આરે છે. વર્ષ 2005માં રાજ્યમાં ગીધની વસ્તી 2,135 હતી. જેની સંખ્યા ગીર ફાઉન્ડેશનની વર્ષ 2022ની વસ્તી ગણતરી મુજબ ઘટીને 283 થઈ ગઈ હતી. એટલે કે 17 વર્ષમાં 1,852 ગીધના મોત થઇ ચૂક્યા છે. જે ચિંતાજનક અને ચોંકાવનારી સ્થિતિ છે. ગાય, ભેંસ સહિતના પાલતું પશુઓને સારવાર દરમિયાન અપાતી હાનિકારક દવાઓ ગીધ જ્યારે મૃતપશુને આહાર બનાવે છે ત્યારે આડઅસર ઊભી કરે છે જેના કારણે ગીધની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે.

આ પણ વાંચો: વડોદરા: નસવાડીમાં વરસાદને લઇ ગરબા આયોજકો તથા ખેલૈયા વિસામણમાં

ડાઇક્લોફેનાક દવાને સરકારે વર્ષ 2006માં પ્રતિબંધિત કરી દીધી હતી

ડાઇક્લોફેનાક દવાને સરકારે વર્ષ 2006માં પ્રતિબંધિત કરી દીધી હતી. ઉપરાંત પાલતું પશુઓમાં પેઇન કિલર તરીકે વપરાતી એક્સેલોફેનાક અને કેટોપ્રોફેન દવા પણ પ્રતિબિંધત કરાઇ છે. છતાં આ દાવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે નીમેસુલાઇડ દવાને પણ બંધ કરવાની માંગણી ઊઠી છે. અમદાવાદ ખાતે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા ગીધ સંરક્ષણ પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ, નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગીધના રક્ષણ અંગે ચર્ચા કરાઇ હતી. વિશ્વભરમાં ગીધ નામશેષ થવાના આરે છે. બે દાયકામાં સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી છે. કેટલીક વેટરનરી દવાઓનો વ્યાપક ઉપયોગ આ માટે મુખ્ય કારણભૂત મનાઇ રહ્યું છે. ગુજરાતમાં ગીધની વસ્તી વધારવા માટે બ્રિડિંગ સેન્ટરો બનાવવાની માંગણી છે.

જુનાગઢમાં શક્કરબાગમાં બ્રિડિંગ સેન્ટર છે તેને અત્યાધુનિક બનાવવાની પણ માગ ઊઠી

હાલ જુનાગઢમાં શક્કરબાગમાં બ્રિડિંગ સેન્ટર છે તેને અત્યાધુનિક બનાવવાની પણ માગ ઊઠી છે. ઉપરાંત વલ્ચર સેફ ઝોન બનાવવા પણ જરૂરી છે. ખોરાક-પાણીની અછત, વાવાઝોડા સહિતની કુદરતી આફત પણ ગીધની વસ્તી ઘટવા પાછળના કારણો છે. વેટરનરી ડ્રગ ટોક્સિસિટી પશુઓમાં નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફલેમેટરી દવાઓ જેમાં ડાઇક્લોફેનાકનો સમાવેશ થાય છે. તે ગીધની વસ્તીના ઘટાડા માટેનું મુખ્ય પરિબળ છે. આવી દવા આપેલા પશુઓના મૃત શરીરને જ્યારે ગીધ ખાય છે તો તેમના શરીરમાં આ દવા મૂત્રપિંડ (કિડની) પર અસર કરી તેને હાનિ પહોંચાડે છે. ગીધને સફાઇ કામદાર તરીકે ઓખળાય છે. રોગના સંક્રમણ રોકવામાં તે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. મૃત પશુને સાફ કરીને ગીધ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને એન્થ્રેક્સ અને હડકવા જેવી બીમારીઓને અન્ય પ્રાણીઓમાં ફેલાવો અટકાવે છે. ગીધ નાશ પામતા કેટલાક વિસ્તારોમાં પાલતું પ્રાણીઓના મૃત શરીરને દૂર ફેંકવા, દાટી દેવા ખર્ચો કરવો પડે છે. બીજી તરફ પારસી સમુદાય જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ગીધ પવિત્ર અથવા અત્યંત મૂલ્યવાન છે અને તેમના લુપ્ત થવાથી સમાજ પર મોટી અસર પડી શકે છે.

હવે મોટાભાગના જિલ્લાઓમાં નામશેષ થવા જઇ રહી છે

ગુજરાતમાં 24 જિલ્લાઓમાં ગીધ જોવા મળે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, મહિસાગર, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છ જિલ્લામાં ગીધની વસ્તી જોવા મળતી હતી, તેમાંથી હવે મોટાભાગના જિલ્લાઓમાં નામશેષ થવા જઇ રહી છે.

Back to top button