નેપાળમાં વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલી તબાહીમાં મૃત્યુઆંક વધ્યો
- પૂરને કારણે ઓછામાં ઓછા 322 મકાનો અને 16 પુલોને નુકસાન થયું
કાઠમંડુ, 30 સપ્ટેમ્બર: ભારતના પાડોશી દેશ નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 170 પર પહોંચી ગઈ છે. આ સાથે જ 42 લોકો ગુમ થયાના અહેવાલો છે. અધિકારીઓએ જણાવ્યું કે, પૂર્વી અને મધ્ય નેપાળના મોટા ભાગો શુક્રવારથી ડૂબી ગયા છે અને દેશના ઘણા ભાગોમાં અચાનક પૂરના અહેવાલો છે. પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા 322 મકાનો અને 16 પુલોને નુકસાન થયું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, તેઓએ 40-45 વર્ષમાં કાઠમંડુ વેલીમાં આટલા વિનાશક પૂર અને પાણીની તબાહી ક્યારેય જોઈ નથી.
ગૃહ મંત્રાલયે આ તબાહી વિશે શું કહ્યું?
ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર, ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે 42 લોકો ગુમ છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ પોખરેલે જણાવ્યું કે, “પૂર સંબંધિત ઘટનાઓમાં 111 લોકો ઘાયલ થયા છે. તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નેપાળ સેનાએ દેશભરમાંથી 162 લોકોને એરલિફ્ટ કર્યા છે. નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો દ્વારા પૂર અને જળબંબાકારથી પ્રભાવિત 4,000 લોકોને બચાવવામાં આવ્યા છે.”
ઘણા વર્ષોનો રેકોર્ડ તૂટ્યો
અધિકારીઓએ જણાવ્યું કે, બચાવી લેવામાં આવેલા લોકોને ખાદ્ય સામગ્રી સહિત તમામ જરૂરી રાહત સામગ્રી આપવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે, કાઠમંડુની બહારના બલ્ખુ વિસ્તારમાં સામાજિક કાર્યકરોની મદદથી 400 લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નેશનલ હાઈવે શનિવારથી બ્લોક થઈ ગયો છે, ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો ઘણા હાઈવે પર ફસાયેલા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે જ્યાં રસ્તાઓ અવરોધિત છે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાલી કરવાના પ્રયાસો ચાલુ છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા પોખરેલે જણાવ્યું હતું કે, કાઠમંડુને અન્ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્ય જમીન માર્ગ ત્રિભુવન હાઇવે પર પરિવહન ફરી શરૂ થયું છે.
પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા 322 મકાનો અને 16 પુલોને નુકસાન થયું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, તેઓએ 40-45 વર્ષમાં કાઠમંડુ ખીણમાં આટલા વિનાશક પૂર અને પાણીની તબાહી ક્યારેય જોઈ નથી. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના આબોહવા અને પર્યાવરણ નિષ્ણાત અરુણ ભક્ત શ્રેષ્ઠે જણાવ્યું હતું કે, “મેં કાઠમંડુમાં આટલા પ્રમાણમાં પૂર પહેલાં ક્યારેય જોયું નથી.”
એક ICIMOD અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કાઠમંડુની મુખ્ય નદી બાગમતી, શુક્રવાર અને શનિવારે પૂર્વી અને મધ્ય નેપાળના મોટાભાગના ભાગોમાં સતત વરસાદ પડ્યા બાદ ભયના સ્તરથી ઉપર વહી રહી છે. બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ અને ચોમાસાની રેખા સામાન્ય કરતાં વધુ ઉત્તર તરફ હોવાના કારણે શનિવારના અસાધારણ ભારે વરસાદનું કારણ છે.
આ પણ જૂઓ: VIDEO: ચીનમાં આવી પૂ-નામી, ગટરના પાઈપમાં થયો જોરદાર વિસ્ફોટ, રાહદારીઓ ગંદકીમાં તરબોળ