એક દેશ એક ચૂંટણી બિલ અંગે મોટા સમાચાર, જાણો શું કરશે સરકાર
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર : સરકાર એક દેશ, એક ચૂંટણીને લઈને સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોને ટાંકીને આ સમાચાર સામે આવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ત્રણ બિલ લાવશે જેમાંથી બે બંધારણીય સુધારા બિલ હશે. જો કે, સરકાર આ બિલને સંસદના આગામી શિયાળુ સત્રમાં લાવશે કે બજેટ સત્રમાં એ હજુ નક્કી નથી. આ અંગે ટૂંક સમયમાં સરકાર સ્તરે નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન પર રામનાથ કોવિંદ કમિટીની ભલામણોને સ્વીકારી લીધી હતી. સમિતિના રિપોર્ટમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની ભલામણ કરી છે. બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે.
મહત્વનું છે કે વન નેશન વન ઈલેક્શન પર વિચાર કરવા માટે મોદી સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિએ આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 18 હજાર 626 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
1. તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી લંબાવવો જોઈએ.
2. જો બહુમતી ન મળે અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય, તો કાર્યકાળના બાકીના 5 વર્ષ માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે.
3. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.
4. 100 દિવસમાં બીજો તબક્કો થશે, જેમાં શહેરી અને ગ્રામીણ સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે.
5. તમામ ચૂંટણીઓ માટે સામાન્ય મતદાર યાદી તૈયાર કરવામાં આવશે.
6. એકસાથે ચૂંટણીઓ યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની ભલામણ કરવામાં આવે છે.
‘વન નેશન વન ઇલેક્શન’ના અમલમાં પડકારો
મોદી 3.0 એ 100 દિવસ પૂરા કર્યા ત્યારે સરકાર તોફાની સ્ટેન્ડ પર આવી ગઈ. હવે વન નેશન વન ઈલેક્શનને લઈને સરકારના પ્રયાસો પોતાની જગ્યાએ છે અને વિપક્ષના સવાલો પોતાની જગ્યાએ છે. તેમાં કોઈ શંકા નથી કે વન નેશન વન ઈલેક્શનના અમલમાં પડકારો છે, પરંતુ એવા કોઈ પડકાર નથી કે જેને દેશના હિત માટે પાર ન કરી શકાય.
62 રાજકીય પક્ષો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો
સમિતિએ એક દેશ, એક ચૂંટણી પર રિપોર્ટ તૈયાર કરવા માટે 62 રાજકીય પક્ષોના અભિપ્રાય લીધા હતા. આ રાજકીય પક્ષોમાંથી 32એ સમર્થન આપ્યું, 15એ વિરોધ કર્યો અને 15એ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. જેડીયુએ બિલને સમર્થન આપ્યું છે, જ્યારે ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો નથી. એટલું જ નહીં માયાવતીએ તેનું સમર્થન કર્યું છે.