ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

પાણીની આવક થતાં કડાણા ડેમના દરવાજા ખોલાયા, 235 ગામોને એલર્ટ

Text To Speech

પંચમહાલ, 29 સપ્ટેમ્બર, 2024: મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં આજે રવિવારે બપોરે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી મહીસાગર નદીમાં છોડાયું છે. જેને પગલે પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે રાજ્યના અનેક ડેમમાં નવા પાણીની આવક થઈ છે. સતત ચાલુ રહેલા વરસાદને પગલે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થતાં તેમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં સતત પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.

મળતા અહેવાલો મુજબ કડાણા ડેમની સપાટી 418.7 ફૂટે પહોંચી છે. જેના પગલે કડાણા ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે મહીનદીકાંઠાના 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત વડોદરાના 49, આણંદના 26, ખેડાના 32 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ પંચમહાલના 18 અને મહીસાગરના 110 ગામને એલર્ટ કરાયા છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં ધરોઈ ડેમ 85 ટકા ભરાયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 618.07 ફૂટ થઈ છે. ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ આવ્યા છે. ડેમમાં હાલમાં 1157 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. વરસાદી પાણીની આવક વધતા જળ સ્ટોક વધ્યો છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચોઃ નેપાળમાં તબાહી: પૂર અને ભૂસ્ખલનથી 112 લોકોના થયા મૃત્યુ સેંકડો ઘરો ડૂબ્યા અને અનેક લોકો લાપતા

Back to top button