કાનપુર ટેસ્ટ : આજે પણ રમાશે નહીં મેચ? જાણો શું છે ગ્રાઉન્ડનું અપડેટ
કાનપુર, 29 સપ્ટેમ્બર : કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ બે દિવસ વરસાદને કારણે વિક્ષેપિત થયો હતો, જેના કારણે અત્યાર સુધી માત્ર 35 ઓવર જ રમાઈ છે. ત્રીજા દિવસની રમત શરૂ થવામાં વિલંબ થયો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મેદાન ભીનું છે. બીસીસીઆઈના અપડેટ મુજબ સવારે 10 વાગ્યે ઈન્સ્પેક્શન થશે.
ઉલ્લેખનીય છે કે ખરાબ લાઇટના કારણે પહેલા દિવસની રમત સમય પહેલા સમાપ્ત થઈ ગઈ હતી, જ્યારે બીજા દિવસે વરસાદ અને ભીના મેદાનને કારણે એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. ત્રીજા દિવસની હવામાનની આગાહી કંઈ ખાસ નથી. કાનપુરમાં આજે એટલે કે 29મી સપ્ટેમ્બરે વરસાદની 59 ટકા સંભાવના છે. હવે જોવાનું એ રહે છે કે આજે મેચ યોજાઈ શકે છે કે નહીં. જો ત્રીજા દિવસે પણ વરસાદની અસર થશે તો મેચનું પરિણામ નક્કી કરવું મુશ્કેલ બની જશે.