ટોપ ન્યૂઝવર્લ્ડ

જાણો બિન લાદેનને મળ્યા બાદ આંખોનો ડોક્ટર કેવી રીતે આતંકવાદી બની ગયો, અયમાન અલ જવાહિરીની કહાણી

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અલ કાયદાના વડા અને 9/11ના આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર અયમાન અલ-જવાહિરી યુએસના ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘ન્યાય થયો છે.’

પાકિસ્તાનના જલાલાબાદમાં અમેરિકી સેનાએ ઓસામા બિન લાદેનને મારી નાંખ્યા બાદ ઝવાહિરી અલ-કાયદાના વડા બન્યા હતા. બિન લાદેન માર્યા ગયા બાદ અલ-ઝવાહિરીની ઓળખ વૈશ્વિક આતંકવાદી તરીકે થઈ હતી. તેના પર 25 મિલિયન યુએસ ડોલરનું ઇનામ હતું.

વિદ્વાનો અને ડૉક્ટરોના પરિવારમાં જન્મ થયો

ઝવાહિરીનો જન્મ ઇજિપ્તના વિદ્વાનો અને ડૉક્ટરોના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેને પણ નાનપણથી જ ડોક્ટર બનવાની ઈચ્છા હતી. તેના દાદા રાબિયા અલ-ઝવાહિરી હતા, જે અલ અઝહરના ગ્રાન્ડ ઇમામ હતા. તે મધ્ય પૂર્વમાં સુન્ની ઇસ્લામિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત તે ઇસ્લામ ધર્મની મહત્વપૂર્ણ મસ્જિદોમાંની એક મસ્જિદ પણ છે.

ઇજિપ્તની સેનામાં સર્જન તરીકે કામ કર્યું

અલ-ઝવાહિરીએ ત્રણ વર્ષ સુધી ઇજિપ્તની સેનામાં સર્જન તરીકે કામ કર્યું. 1986માં બિન લાદેનને મળ્યા ત્યારે જવાહિરીની આંખના સર્જનથી મોસ્ટ વોન્ટેડ વૈશ્વિક આતંકવાદી સુધીની સફર શરૂ થઈ હતી. તે લાદેનના અંગત સહાયક અને ડૉક્ટર તરીકે કામ કરતો હતો.

1993માં ઇજિપ્તમાં ઇસ્લામિક જેહાદનું નેતૃત્વ કર્યું

1993માં જવાહિરીએ ઇજિપ્તમાં ઇસ્લામિક જેહાદનું નેતૃત્વ સંભાળ્યું હતું. 1990ના દાયકાના મધ્યભાગમાં સરકારને ઉથલાવી દેવા અને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવાના અભિયાનમાં ઝવાહિરી એક અગ્રણી ચહેરો બની ગયો હતો. તે ઇજિપ્તના 1,200થી વધુ લોકોની હત્યામાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.

1998માં જવાહિરીએ ઇજિપ્તની ઇસ્લામિક જેહાદને અલ-કાયદા સાથે મર્જ કરી હતી. કેન્યામાં નૈરોબી, આફ્રિકામાં દાર એસ સલામ અને તાંઝાનિયામાં યુએસ દૂતાવાસોમાં લગભગ એક સાથે બોમ્બ ધડાકા થયા હતા, જેમાં 224 લોકો માર્યા ગયા હતા. તેમાં 12 અમેરિકનોનો સમાવેશ થાય છે અને 4,500થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ ધડાકાઓમાં તેની ભૂમિકા માટે જવાહિરીને દોષી ઠેરવવામાં આવ્યો હતો.

9/11ના હુમલાના મુખ્ય કાવતરાખોરોમાં સમાવેશ

અલ-ઝવાહિરીનું સૌથી ખતરનાક આતંકી ષડયંત્ર 11 સપ્ટેમ્બર, 2001ના રોજ જોવા મળ્યું હતું. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર થયેલા હુમલામાં લગભગ 3,000 લોકો માર્યા ગયા હતા. તે અને બિન લાદેન 2001માં અફઘાનિસ્તાનમાં અમેરિકી દળોના સકંજામાંથી છૂટીને ભાગી ગયા હતા. ત્યારે 2001માં અમેરિકી સરકારે જવાહિરીને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી નંબર ટુ જાહેર કર્યો હતો.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની હકાલપટ્ટીના એક વર્ષ બાદ જવાહિરીની હત્યા કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ તેને ન્યાય માટેનું અભિયાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભલે તેમાં ગમે તેટલો સમય લાગે અને ભલે તે ગમે ત્યાં છુપાઈ જાય. જો તમે અમારા લોકો માટે ખતરો હશો, તો અમેરિકા તમને શોધી લેશે’.

Back to top button