અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયાવિશેષ

ડાકોર મંદિરના પ્રસાદ વિશે શંકા ઊભી કરનાર રાજકીય કાર્યકર નીકળ્યા! જાણો એની કુંડળી

ડાકોર, 27 સપ્ટેમ્બર, 2024: તિરૂપતિના પ્રસાદ વિવાદ બાદ ડાકોર મંદિરના પ્રસાદ અંગે આશંકા ઊભી કરવાનો પ્રયાસ કરનાર પૂજારી વાસ્તવમાં એક રાજકીય પક્ષના કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે. ડાકોરના અમારા પ્રતિનિધિ તરફથી મળેલી માહિતી અનુસાર આવી શંકા ઊભી કરનાર આશિષ સેવક વાસ્તવમાં એક રાજકીય પક્ષના કાર્યકર છે અને પોતાના સોશિયલ મીડિયા ઉપર વિરોધી પક્ષ વિશે વારંવાર બેફામ ભાષામાં પોસ્ટ પણ કરે છે.

થોડા દિવસ પહેલાં સૌથી પવિત્ર યાત્રાધામો પૈકી એક એવા દક્ષિણના તિરૂપતિ મંદિરના લાડુના પ્રસાદ અંગે વિવાદ થયા બાદ શ્રદ્ધાળુઓની આસ્થાની સાથે સાથે રાજકારણ પણ ચાલુ થઈ ગયું હતું. અગાઉ જે રાજકીય પક્ષોએ કદી હિન્દુ હિતની વાત નહોતી કરી એ પક્ષો પણ એકાએક સક્રિય થઈ ગયા હતા. આ દરમિયાન વિવિધ મંદિરોના પ્રસાદ વિશે શ્રદ્ધાળુઓમાં આશંકા પેદા થાય એવા પ્રયાસ પણ થયા.

આવો જ એ પ્રયાસ ડાકોર મંદિરના પ્રસાદ અંગે પણ થયો. ત્રણેક દિવસ પહેલાં મંદિરના પૂજારીના નામે સમાચારો વહેતા થયા કે પૂજારીએ ડાકોર મંદિરના પ્રસાદની તપાસની માગણી કરી છે. મુદ્દો કરોડો લોકોની શ્રદ્ધાનો હતો એટલે વાત એટલી ઝડપથી ફેલાઈ કે આવી આશંકા ઊભી કરનાર પૂજારી ખરેખર કોણ છે એ વિશે કોઇએ કશી તપાસ કરી નહીં.

જોકે, પૂજારી આશિષ સેવકના આવા પાયાવિહોણા નિવેદનને ડાકોર મંદિર ટ્રસ્ટે તરત ફગાવી દીધો હતો એટલું જ નહીં પરંતુ ડાકોર મંદિર માટે ઘી પૂરું પાડનાર અમૂલે પણ ગઈકાલે 26 સપ્ટેમ્બરને ગુરુવારે રદિયો આપ્યો હતો.

અમૂલનો રદિયો-

ડાકોર પ્રસાદ અંગે અમુલ સ્પષ્ટીકરણ - HDNews

બીજી તરફ ટેમ્પલ કમિટીના ચેરમેન ઉપરાંત મંદિરના ટ્રસ્ટીઓએ પણ આશિષ સેવકના આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું કે, વર્ષોથી અનેક ભક્તો ડાકોર મંદિરનો પ્રસાદ ગ્રહણ કરે છે અને આજ સુધી કદી પ્રસાદની ગુણવત્તા વિશે ફરિયાદ આવી નથી. ટેમ્પલ કમિટીના ચેરમેને કહ્યું હતું કે, જે સેવકે આવો દાવો કર્યો છે તેમણે પુરાવા રજૂ કરવા જોઈએ, પુરાવા વિના સીધા સોશિયલ મીડિયામાં આક્ષેપ કરવાથી શ્રદ્ધાળુઓમાં આશંકાઓ ઊભી થઈ શકે છે.

દરમિયાન, આ અંગે અમુક મીડિયાએ ઊંડી તપાસ કરતા જાણવા મળ્યું કે, ડાકોરના પ્રસાદ અંગે શંકા ઊભી કરનાર આશિષ સેવક વાસ્તવમાં કોંગ્રેસના કાર્યકર છે અને કોંગ્રેસની વિવિધ સમિતિમાં તેમની નિમણૂક થયેલી છે. મીડિયાએ આશિષ સેવકના ફેસબુક પેજના સ્ક્રિન શૉટ મૂકીને પ્રસ્થાપિત કર્યું કે, આશિષ સેવક કોંગ્રેસના કાર્યકર છે એટલું જ નહીં પરંતુ વિવિધ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને તેમના ફેસબુક પેજ ઉપર અભિનંદન પણ પાઠવવામાં આવેલા છે.

આશિષ સેવકનું ફેસબુક પેજ - HDNews
આશિષ સેવકના ફેસબુક પેજની કેટલીક પોસ્ટ, જેના પરથી તેની ભાષા અને વિચારો ઉઘાડા પડે છે

અલબત્ત, ટેમ્પલ કમિટી તેમજ ટ્રસ્ટીઓ ઉપરાંત અમૂલ દ્વારા આશિષ સેવકના દાવાને ફગાવી દેવામાં આવ્યા બાદ સેવકે ગઈકાલે એક યાદી જારી કરીને એવો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો કે, તેમનો ઈરાદો માત્ર પ્રસાદની ચકાસણીનો મુદ્દો ઉપસ્થિત કરવાનો હતો પરંતુ કોઈ કંપની વિરુદ્ધ આશંકા ઊભી કરવાનો નહોતો, કે કોઈ બ્રાન્ડને બદનામ કરવાનો ઈરાદો નહોતો.

આ પણ વાંચોઃ અયોધ્યાની કોકા-કોલા ફેક્ટરીમાં હિન્દુ કર્મચારીઓને રક્ષાસૂત્ર કાપવાની ફરજ પડી, જૂઓ વીડિયો

Back to top button