ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના 135 તાલુકામાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ

Text To Speech
  • અમદાવાદમાં અત્યાર સુધીમાં શહેરમાં મોસમનો કુલ 37.81 ઈંચ વરસાદ નોંધાયો
  • ઘોઘા-વલ્લભીપુર તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે
  • અમરેલીના જાફરાબાદમાં 1.73 અને ભીલોડોમાં 1.54 ઈંચ વરસાદ પડયો

ગુજરાતના 135 તાલુકામાં મેઘમહેર થઇ છે. ઘોઘા-વલ્લભીપુર તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. એ સિવાય ગીર સોમનાથના ઉના અને કોડીનાર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડયો છે. હજુ આગામી બે દિવસ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે જાણો કયા છે ભારે વરસાદની આગાહી

જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દોઢ ઈંચથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ પડયો

ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, અમરેલી, મહેસાણા અને જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દોઢ ઈંચથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. ભાવનગરના ઘોઘા તાલુકામાં સૌથી વધુ 4.53 ઈંચ, વલ્લભીપુરમાં 4 ઈંચ, પાલિતાણામાં 3.62 ઈંચ, ભાવનગરમાં 3.19, સિહોરમાં 3.15 ઈંચ, મહુવામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉનામાં 3.03, કોડીનારમાં 2.80, ગીર સોમનાથમાં 2.36, સુત્રાપાડામાં 2.24 ઈંચ વરસાદ પડયો છે. એ સિવાય વલસાડના ઉમરગાવમાં 2.01 ઈંચ, નવસારીના ખેરગામમાં 1.97 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં 1.73 અને ભીલોડોમાં 1.54 ઈંચ વરસાદ પડયો છે. મહેસાણામાં 1.65 અને જુનાગઢનાં ભેસાણામાં 1.30 ઈંચ વરસાદ પડયો છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં શહેરમાં મોસમનો કુલ 37.81 ઈંચ વરસાદ નોંધાયો

અમદાવાદમાં છેલ્લાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યા બાદ ગુરુવારે બપોર પછી શહેરના જુદા જુદા વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાં પડયા હતા. ગુરુવારે બપોરે 3થી 4 વાગ્યા સુધીના એક કલાકમાં મણિનગરમાં સૌથી વધુ પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને નરોડા અને કોતરપુરમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શહેરના દાણાપીઠ, આશ્રમ રોડ, પાલડી, મેમનગર, વસ્ત્રાપુર, દાણાપીઠ, નિકોલ, વાડજ, સરખેજ, એસજી હાઈવે, સહિતના વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટાં વરસ્યા હતા. અત્યાર સુધીમાં શહેરમાં મોસમનો કુલ 37.81 ઈંચ વરસાદ નોંધાયો છે.

Back to top button