હવામાન વિભાગ રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 41 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
રાજ્યના અનેક જળાશયો, નદી છલકાયા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માટે જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સીઝનનો 70 ટકા વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તે પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે.
જુલાઈ મહિનામાં 41 ટકા વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના 31 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.