ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત: કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી, કામદારો ગંભીર રીતે દાઝ્યા

Text To Speech
  • ગોડાઉનમાં ફસાયેલા 5 કામદારોનું રેસ્ક્યુ

સુરત, 26 સપ્ટેમ્બર, સુરતમાં વધુ એક આગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના સરથાણા સીમાડા વિસ્તારમાં આવેલા એક કેમિકલના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. વાલમનગરમાં આવેલા આ ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયરના કાફલાએ ઘટના સ્થળે દોડી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયરે 5 કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. આ અકસ્માતમાં કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે.

ડાયમંડ સિટી સુરતમાં વધુ એક ભયંકર આગની ઘટના સામે આવી છે. શહેરના પુણા સીમાડા વિસ્તારમાં આવેલો વાલમનગર વિસ્તાર આજે સવારે આગના ધૂમાડાથી ઘેરાઈ ગયો હતો. અહીં એક કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં કેમિકલ હતું જેનાં કારણે આગે ગણતરીની મિનિટોમાં ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનની અંદર કામ કરતા કામદારો ફસાઈ ગયા હતા. બીજી તરફ આગની જ્વાળાઓ ઉઠવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના મકાનો ખાલી થઈ ગયા હતા. સ્થાનિકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ આગ ઓલવવા પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ કેમિકલ સળગતું હોવાના લીધે નિષ્ફળતા મળી હતી. ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આ ઘટનામાં 1 કામદારનું મૃત્યુ થયું છે.

આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું. સ્થાનિકો દ્વારા જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ગોડાઉનની અંદર ફસાયેલા 5 કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું. આ કેમિકલના ગોડાઉનમાં પતરાંના શેડનો ગેરકાયદે ડોમ બનાવાયો હતો, જે આગની ઝપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં એક કામદારનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અન્ય 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો…અનોખું ગામ/ એકબીજાને નામથી નહિ પણ સીટી મારીને બોલાવે છે ગ્રામજનો

Back to top button