ઇન્ટરનેશનલ ડેસ્કઃ આતંકવાદ સામેના યુદ્ધમાં દુનિયાને વધુ એક સફળતા મળી છે. અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ જાણકારી આપી છે. ખાસ વાત એ છે કે, વર્ષ 2011માં ઓસામા બિન લાદેનનો ખાત્મો થયા બાદ આ ઘટનાને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, યુએસ પ્રમુખ જો બાઇડને સોમવારે જવાહિરીના મૃત્યુની માહિતી આપી હતી. વ્હાઇટ હાઉસમાંથી પોતાના સંબોધનમાં બાઇડને કહ્યું કે, ‘હવે ન્યાય થયો છે અને હવે તે આતંકવાદી નેતા જીવતા રહ્યા નથી.’
આતંકવાદીના માથા પર $25 મિલિયનનું ઇનામ હતું. અહેવાલ છે કે તે 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા હુમલામાં પણ સામેલ હતો, જેમાં લગભગ 3000 લોકો મૃત્યુ પામ્યા હતા. રોયટર્સ અનુસાર, ગુપ્તતાની શરતે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, અમેરિકાએ રવિવારે સવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર ડ્રોન હુમલો કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અમેરિકી ગુપ્તચર અધિકારીઓને ખાતરી થઈ હતી કે, માર્યો ગયેલો વ્યક્તિ જવાહિરી હતો. હુમલામાં અન્ય કોઈનું મોત થયું નથી.
તાજેતરમાં જ જ્વાહિરીના મૃત્યુની અફવા ઘણી વખત સામે આવી હતી. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ લાંબા સમયથી બીમાર હતા. હવે આતંકવાદી નેતાના મૃત્યુથી સવાલો ઉભા થઈ રહ્યા છે કે, ઓગસ્ટ 2021માં તાલિબાને કાબુલ પર કબજો મેળવ્યા પછી તેને આશ્રય આપવામાં આવ્યો હતો કે કેમ. રિપોર્ટ અનુસાર, અધિકારીએ કહ્યું કે તાલિબાન અધિકારીઓને શહેરમાં તેની હાજરીની જાણ હતી.