સાબરકાંઠામાં ગોઝારા અકસ્માતમાં 7 અમદાવાદીઓના મૃત્યુ, જૂઓ હૈયું હચમચાવતો વીડિયો
હિંમતનગર, 25 સપ્ટેમ્બર : સાબરકાંઠાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. અહીં શામળાજી – અમદાવાદ હાઈવે ઉપર આવેલી સહકારી જિન પાસે બંધ ટ્રેલર પાછળ ઈનોવા કાર ધડાકાભેર ઘુસી જતા તેમાં બેઠેલા 7 અમદાવાદીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. જ્યારે કે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ગોઝારી દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો
#WATCH | Sabarkantha, Gujarat | A car collided with a heavy vehicle in Himmatnagar. The police and fire department present at the spot. Injuries and casualties feared. More details awaited. pic.twitter.com/kHGz5tkl30
— ANI (@ANI) September 25, 2024
હતભાગીઓ શામળાજીથી પરત આવતા હતા
મળતી માહિતી મુજબ, હિંમતનગરમાં સહકારી જીન નજીક મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ તરફ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હોવાના અહેવાલ છે. મૃતકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મોટાભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે.
કારને કાપીને દૂર કરવી પડી હતી
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો. જેથી પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વાહનમાંથી બહાર કાઢ્યા બાદ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલો અને મૃતકોની ઓળખ થઈ ગઈ છે. તેમના આગમન પર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ઊંઘને કારણે અકસ્માતની શક્યતા
ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ કાર ચાલકની ઊંઘ હોઈ શકે છે. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સમયે ટ્રક તેની સામાન્ય સ્પીડે દોડી રહી હતી. જ્યારે કારની સ્પીડ ખૂબ જ વધારે હતી. આવી સ્થિતિમાં, કાર ચાલકે નકામું કરી નાખ્યું હોય અને તે પોતાના વાહનને નિયંત્રિત કરી શકે ત્યાં સુધીમાં, કાર ટ્રક સાથે ટકરાઈ ગઈ. પોલીસના જણાવ્યા મુજબ ટ્રક ડ્રાઈવરે પોલીસને ઘટનાની માહિતી આપી છે.