ગુજરાત જેવા જ માર્ગો આંધ્રપ્રદેશમાં બનશે, કામગીરીના અભ્યાસ અર્થે ટીમ પહોંચી
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર : ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસાવેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગના નિર્માણ કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલોજી, પી.પી.પી. મોડેલના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ મંત્રી બી.સી.જનાર્ધન રેડ્ડીના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની બે દિવસે મુલાકાતે આવેલું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ દરમિયાન ગાંધીનગરમાં આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે ગુજરાતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને ટેકનોલોજી વિશે જાણવામાં પણ આ બેઠક દરમિયાન રસ દાખવ્યો હતો અને વિશદ ચર્ચાઓ કરી હતી. ખાસ કરીને ગાંધીનગરનો સ્ટેટ કેપિટલ તરીકે વિકાસ, સ્વર્ણિમ સંકુલનું નિર્માણ, સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર, ગાંધીનગર રેલ્વે સ્ટેશન વગેરેના અદ્યતન નિર્માણ કામોની વિગતોથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આંધ્રપ્રદેશના આ પ્રતિનિધિ મંડળે ગિફ્ટ સિટીની પણ મુલાકાત લઈને ત્યાં નિર્માણાધિન કાર્યો નિહાળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં આંધ્રપ્રદેશના વાહન વ્યવહાર તથા માર્ગ મકાન વિભાગના અગ્ર સચિવ કાંતિલાલ દાંડે તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માર્ગ મકાન સચિવ એકે પટેલ તથા ખાસ સચિવ પટેલિયા પણ આ બેઠકમાં જોડાયા હતા.