અમદાવાદ: મકાન બાંધકામ કે રિનોવેશન કરાવતા હોવ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો…
અમદાવાદ, 24 સપ્ટેમ્બર, શું તમે પણ મકાન બાંધકામ કે રિનોવેશન કરાવવાનું વિચારો છો તો આ સમાચાર તમારા માટે જ છે. નાગરિકો પોતાના મકાનનું રિનોવેશન, રિપેરિંગ કે નવું બાંધકામ કરતા હોય છે. જેમાં ઉત્પન્ન થતો કન્સ્ટ્રક્શન વેસ્ટ, માટી, પુરાણ અને કચરો (ડેબ્રિજ) હવે રોડ ઉપર નાખી શકાશે નહીં. અમદાવાદમાં મ્યુનિસિપલ તંત્રના વિવિધ પ્રોજેકટો માટે કામ કરતી એજન્સીઓ પણ સાઈટ બહાર રોડ ઉપર કચરો ફેંકી શકશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા સીએનડી (કન્સ્ટ્રક્શન એન્ડ ડેબ્રિજ) વેસ્ટ નાખનારા લોકો સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવશે. જો રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ મળશે તો રૂ. 25000થી 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
શહેરમાં વિવિધ જગ્યાએ લોકો દ્વારા પોતાના મકાનનું રિનોવેશન અથવા નવું બાંધકામ કરવામાં આવતું હોય છે. જેનો કન્સ્ટ્રક્શન વેસ્ટમાંથી તૂટેલા ઈંટ અને પથ્થરો વગેરે ખુલ્લા પ્લોટ અથવા રોડ ઉપર ગમે ત્યાં નાખી દેવામાં આવતો હોય છે. મ્યુનિસિપલ તંત્ર તરફથી કન્સ્ટ્રકશન વેસ્ટ નિકાલ માટે અગાઉ નકકી કરવામાં આવેલા દરમાં બેથી ત્રણ ગણો વધારો કરવા નિર્ણય કરાયો છે. શહેરના વિવિધ રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ પડયો ના રહે એ માટે સાત ઝોનમાં ઝોન દીઠ એક સેનિટેશન સ્કવોડને ફરજ ઉપર મુકાશે. એક મેટ્રીકટનથી ઓછા કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવા માટે હવે રુપિયા 200ના બદલે રુપિયા 500 ચુકવવા પડશે.
કન્સ્ટ્રક્શન વેસ્ટના નિકાલના ચાર્જમાં 475નો વધારો
નાગરિકો દ્વારા રિનોવેશનથી લઈ નવા બાંધકામ દરમિયાન ઉત્પન્ન થતા કચરાના નિકાલ કરવા માટે 155303 ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં નિયત કરેલો ચાર્જ ચૂકવી નિકાલ કરાવી શકે છે. આ ચાર્જમાં હવે બેથી ત્રણ ગણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મેટ્રિક ટનથી ઓછો હોય અને તેનાથી વધારે હોય તો પ્રતિ ટ્રિપ અને મેટ્રિક ટન દીઠ ચાર્જ લેવામાં આવે છે. હાલમાં રૂ. 200થી લઈ 1700 રૂપિયા સુધીનો ચાર્જ લેવાય છે. એક મેટ્રિક ટનથી ઓછો કન્સ્ટ્રક્શન વેસ્ટ હશે તો 200 રૂપિયાની જગ્યાએ હવે 675 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. સીએનડી વેસ્ટ ફરિયાદ અંગે કલેક્શનની કામગીરી સોંપેલી હયાત એજન્સીઓ મારફતે મંજૂર થયેલ ભાવથી અને શરતોથી સંસ્થાની વેબસાઈટ અથવા મોબાઈલ નંબર ઉપર પણ નાગરિકો દ્વારા માટી-પૂરણી ઉપાડવા માટે કરિયાદ નોંધાવી નિયત થયેલા ચાર્જ ભરી નિકાલ કરાવી શકે છે.
શહેરના વિવિધ વિસ્તારમાં રોજબરોજ નાગરિકો દ્વારા તેમના મકાન,ઓફિસ કે વ્યવસાયના સ્થળે નાનુ મોટુ સમારકામ કે રીનોવેશન કરાવવામા આવતુ હોય છે.સમારકામની ચાલતી કામગીરી ઉપરાંત નવી બાંધકામ સાઈટની કામગીરી દરમિયાન કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી તૂટેલા પથ્થર,ઈંટ, રોડાં સહિતની અન્ય સામગ્રી જાહેર રસ્તા ઉપર અથવા તો ખુલ્લા પ્લોટમાં નાંખી દેવામાં આવતો હોય છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં 26 જેટલા પ્લોટ કન્સ્ટ્રકશન વેસ્ટના નિકાલ માટે નકકી કરેલા છે.આ પ્લોટ ઉપર શહેરીજનો તેમને ત્યાંથી નીકળતો કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખી શકે છે.
આ પણ વાંચો…અમદાવાદમાં AMCએ ગાયોના રજિસ્ટ્રેશનના નામે લાખો ઉઘરાવી વૈકલ્પિક વ્યવસ્થા ન આપી