અમદાવાદમાં AMCએ ગાયોના રજિસ્ટ્રેશનના નામે લાખો ઉઘરાવી વૈકલ્પિક વ્યવસ્થા ન આપી
- હજારો રજિસ્ટ્રેશન થકી 60 લાખથી પણ વધુની રકમ મ્યુનિ.તંત્રમાં જમા થઈ
- હાલ શહેરના મોટા ભાગના રોડ પરથી ગાયો દૂર થઈ ગઈ છે
- આજે પણ પશુપાલકોના ઘરમાં પશુદીઠ ઉઘરાવેલા 200 રૂપિયાની પહોંચો પડી છે
અમદાવાદ શહેરમાં ગાયો રાખવા અને તેના માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના નામે ગાયોની વસ્તી ગણતરી અને તેના રજિસ્ટ્રેશનની કામગીરી મ્યુનિ.તંત્ર દ્વારા વર્ષ 2019ના સપ્ટેમ્બર માસમાં હાથ ધરાઈ હતી. જેમાં પશુદીઠ 200 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ના નામે ઉઘરાવાયા હતા. જાણકારી મુજબ, શહેરમાં વસ્તી ગણતરી દરમિયાન 34 હજાર રજિસ્ટ્રેશન થવા પામ્યા હતા. જેના થકી મ્યુનિ.તંત્રને અડધા કરોડથી પણ વધુ રૂપિયાની જંગી આવક થઈ હતી.
હાલ શહેરના મોટા ભાગના રોડ પરથી ગાયો દૂર થઈ ગઈ છે
જોકે આજે પાંચ વર્ષ બાદ પણ પશુપાલકોને રજિસ્ટ્રેશનના નામે ઉઘરાવેલા પૈસા કે વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા હજારો પશુપાલક પરિવારો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. આમ અમદાવાદ શહેરને કેટલ ફ્રી બનાવવામાં મ્યુનિ.તંત્ર અંધારામાં જ હવાતિયા મારતું હોય તેવી સ્થિતિ અત્યાર સુધી જોવા મળી છે. આ કાયદાનો ચુસ્ત અમલ થતા હાલ શહેરના મોટા ભાગના રોડ પરથી ગાયો દૂર થઈ ગઈ છે. જેના કારણે શહેરીજનોને મોટી રાહત મળી છે. બીજી તરફ ગાયો રાખવાની સગવળ કે દસ્તાવેજવાળી જગ્યા ન હોય તેવા પશુપાલકોએ ગાયોને ગામડે મોકલી દીધી છે. આ અંગે ગુજરાત પશુપાલક સમિતિના પ્રમુખના જણાવ્યા મુજબ, મ્યુનિ.તંત્રએ ગાયોની વસતી ગણતરી, રજિસ્ટ્રેશન અને શહેરથી 20 કિ.મી.દૂર વૈકલ્પિક વ્યવસ્થા આપવાના નામે પશુદીઠ 200 રૂપિયા વર્ષ 2019માં ઉઘરાવ્યા હતા.
હજારો રજિસ્ટ્રેશન થકી 60 લાખથી પણ વધુની રકમ મ્યુનિ.તંત્રમાં જમા થઈ
આવા હજારો રજિસ્ટ્રેશન થકી 60 લાખથી પણ વધુની રકમ મ્યુનિ.તંત્રમાં જમા થઈ હતી. આજે પણ પશુપાલકોના ઘરમાં પશુદીઠ ઉઘરાવેલા 200 રૂપિયાની પહોંચો પડી છે. પશુપાલકોને માનવતાના ધોરણે તેમના પૈસા પાછા આપવામાં આવે અથવા તો શહેરથી 20 કિ.મી.દુર પશુપાલન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે. શહેરની આજુબાજુના 38 ગામો મ્યુનિ.કોર્પોરેશનમાં ભેળવી દેવાતા આ ગામોમાં પણ પશુપાલનનો ધંધો નામશેષ થવાના આરે આવીને ઊભો છે.