ધોળકા પોલીસ સ્ટેશનઃ એક્સિડન્ટની ફરિયાદ લખવાનો ભાવ 30,000!
ધોળકા, 23 સપ્ટેમ્બર, 2024: હેડિંગ વાંચીને ચોંકી ગયા? પણ હકીકત આ જ છે. ધોળકા પોલીસ સ્ટેશનમાં તહેનાત જમાદાર ફરિયાદના પ્રકાર અનુસાર “વસુલી” કરે છે. તાજેતરના બે અનુભવોને આધારે એ સ્પષ્ટ થયું છે કે ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને જોઈને, ફરિયાદના પ્રકારને જોઈને ફરિયાદી પાસે નાણા માગવામાં આવે છે.
તો ચાલો જાણીએ શું છે હકીકત?
હકીકત એ છે કે, થોડા દિવસ પહેલાં ધોળકા પોલીસ સ્ટેશનની હદમાં એક નાનો અકસ્માત સર્જાયો હતો. ગુજરાત સ્ટીલના પ્રવીણભાઈ શાહને ત્યાં ગાડી જતી હતી, જેણે અકસ્માત કર્યો હતો. ટ્રાન્સપોર્ટરની ગાડીથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી કોઈને ઈજા નહોતી, પરંતુ વાહનને તેમજ મિલકતને નુકસાન હતું તેથી વીમા કંપનીના ક્લેઈમ માટે પોલીસ ફરિયાદની જરૂર હોવાથી ધોળકા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી કરી હતી. એ અરજીને આધારે જમાદાર સતીષભાઈએ રૂપિયા 30,000ની માગણી કરી હતી. આ બાબતે સતીષભાઈની દલીલ હતી કે, જે ફરિયાદ લખાશે તેને આધારે તમારો ક્લેઈમ પાસ થશે અને તમને ઘણા રૂપિયા મળશે. પણ એમાં મને શું મળશે? એટલે 30,000 તો આપવા પડશે.
માહિતી મુજબ સતીષભાઈ ઘણા સમયથી ત્યાં ફરજ બજાવે છે અને બીજા લોકો પાસે પણ આ રીતે નાણા માગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જમાદાર સતીષભાઈ ઘણા લોકો પાસેથી ફરિયાદ લખવા માટે નાણાની માગણી કરે છે. જેમ કે, એક મહિલાએ થોડા સમય પહેલાં મેનેજર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. એ કેસમાં પણ આ જમાદારે નાણાની માગણી કરી હતી. કહેવાય છે કે, મેનેજર પાસેથી મોટી રકમનો તોડ આ જમાદારે કર્યો હતો.
સામાન્ય નાગરિકો તેમને પડતી મુશ્કેલીમાંથી રાહત મેળવવા માટે પોલીસ પાસે જાય છે, સરકારી અધિકારીઓ પાસે જાય છે, ક્યારેક નેતાઓ પાસે જાય છે પરંતુ જો આવી જગ્યાઓ પર ફરિયાદ ઉકેલવાના બદલામાં નાણાની માગણી કરવામાં આવે તો પ્રજાનું શું થાય?
આ પણ વાંચોઃ ગુજરાતીઓ આનંદો, ગરબાનો આનંદ મોડી રાત સુધી માણી શકાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત