કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
મોરબીમાંથી ડુપ્લીકેટ ચલણી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ, કેવી રીતે સામે આવ્યું પ્રકરણ ?
મોરબીના વાંકાનેર પંથકમાંથી આજે ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ સમગ્ર પ્રકરણ સ્થાનિક નહીં પરંતુ રાજસ્થાન પોલીસ દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું હતું. જેના કારણે લોકલ પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.
શું છે આ સમગ્ર ઘટનાની હકીકત ? રાજસ્થાન પોલીસને કેમ પડી ખબર ?
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લાનો એક શખ્સ ડુપ્લીકેટ ચલણી નોટના જથ્થા સાથે રાજસ્થાનમાં પકડાયો હતો જેથી પોલીસે બોગસ ચલણી નોટ વટાવા ગયેલ શખ્સને સાથે રાખીને તેના મૂળ સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરી હતી અને રાજસ્થાન પોલીસ દ્વારા બોગસ ચલણી નોટના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વાંકાનેરનાં ધામા નાખવામાં આવ્યા હતા. વાંકાનેરમાંથી રાજસ્થાન પોલીસે તપાસ દરમ્યાન ઈરફાન ઉર્ફે ઈસ્માઈલભાઈ અલીભાઈ કડીવાર (ઉંમર ૨૯ રહે. અમરસર તાલુકો વાંકાનેર) તથા એજાજ ઉસ્માનભાઈ પરાસરા (ઉંમર ૩૦ રહે. ગુલશન પાર્ક)ની ધરપકડ કરી હતી.
કેટલી નોટ છાપી હતી ? અને કેટલામાં કર્યો હતો સોદો ?
પોલીસ વિભાગના સૂત્રો પાસેથી મળેલી હકીકત અનુસાર આ શખ્સોએ રૂ. ૩,૯૦,૩૦૦ ની બોગસ ચલણી નોટ પ્રિન્ટ કરી હતી જે રૂ. ૧,૯૦,૦૦૦ માં આપવાનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો. આ સોદામાં જે સાચી ચલણી નોટો સામેવાળી વ્યક્તિને આપે તેમાંથી ટંકારા તાલુકામાં રહેતા મિતુલ પટેલને રૂ.૩૦ હજાર એજાજ પરાશરાને રૂ.૬૦ હજાર અને એક લાખ રૂપિયા ઇરફાન ઉર્ફે ઈસ્માઈલ કડીવારને મળવાના હતા. હાલમાં રાજસ્થાનના ચંદરીયા પોલીસ સ્ટેશનના પીઆઇ કૈલાશચંદ્ર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવ્યા હતા અને તે બે આરોપીઓને વધુ પૂછપરછ માટે તેની સાથે રાજસ્થાન લઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે