ખેડૂતોની જેમ કૃષિ પત્રકારોનું પ્રગતિ, ઉન્નતિ અને વિકાસમાં મોટું યોગદાન છેઃ રાજ્યપાલ
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયું
- ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ છે- પ્રાકૃતિક ખેતી
ગાંધીનગર, 22 સપ્ટેમ્બર, 2024ઃ કૃષિ પત્રકારોનું ખેડૂતોની જેમની પ્રગતિ, ઉન્નતિ અને વિકાસમાં મોટું યોગદાન છે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે અહીં જણાવ્યું હતું. રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયેલા પાંચમા “રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન-૨૦૨૪” પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા. ગાંધીનગરમાં હેલિપેડ પ્રદર્શન હૉલમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા આયોજિત આ સંમેલનમાં કૃષિ ક્ષેત્રના પત્રકારોને રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય કક્ષાના કૃષિ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સંમેલનને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આપણા દેશના ખેડૂતો સૌથી મોટા તપસ્વી છે. તેમની પ્રગતિ, ઉન્નતિ અને વિકાસ માટે કૃષિ પત્રકારોએ ખૂબ મોટું કાર્ય કર્યું છે. તેવી જ રીતે વધુ ખેત ઉત્પાદન માટે કૃષિ વૈજ્ઞાનિકોનો ફાળો પણ અમૂલ્ય છે.
ગ્લોબલ વૉર્મિંગ આખા વિશ્વ માટે ખૂબ મોટી ગંભીર સમસ્યા છે, તેમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે, ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને કારણે ગ્લોબલ વૉર્મિંગમાં વધારો થયો છે, એટલું જ નહી પરંતુ રાસાયણિક ખાતર- દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવ જંતુ – બેક્ટેરીયા નાશ પામ્યા છે, જેના પરિણામે આજે ધરતી બંજર બની ગઈ છે. વળી, રાસાયણિક ખાતરથી ઉત્પાદિત ખેતપેદાશોના કારણે આજે માણસોમાં કેન્સર જેવી અનેક ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે.
રાજ્યપાલે વધુમાં કહ્યું હતું કે, ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ ઘટતાં ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ વધે છે એટલું જ નહી, જમીનના ઓર્ગેનિક કાર્બનમાં પણ ઝડપથી વધારો થાય છે. હરિત ક્રાન્તિના સમયે સમગ્ર દેશની જમીન જંગલ જેવી ઉપજાઉ હતી. તે સમયે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૨ થી ૨.૫ ટકા હતો, જે હવે ઘટીને ૦.૨ થી ૦.૪ ટકા થઈ ગયો છે. જેનો અર્થ થાય કે હવે દેશની જમીન બિન ઉપજાઉ બની ચૂકી છે.
રાજ્યપાલે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતર વિશે જણાવ્યું કે, રાસાયણિક ખાતરોમાં રહેલો નાઇટ્રોજન હવાના ઓક્સિજન સાથે ભળી નાઈટ્રસ ઓક્સાઈડ બનાવે છે, જે કાર્બન ડાયોક્સાઇડથી ૩૧૨ ગણો વધુ નુકશાનકારક છે જે ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે. ગત વર્ષે દેશમાં કરોડો રૂપિયાના યુરીયાની આયાત કરવામાં આવી છે. આપણે કરોડો રૂપિયા આપીને વિદેશમાંથી ઝેર ખરીદીએ છીએ. તેની સામે જો પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો પ્રકૃતિની સાથે દેશના રૂપિયા પણ બચાવી શકીએ. યુરિયા ખાતરમાં ૪૦-૪૫ ટકા નમક હોય છે જે જમીનને કઠણ અને બિન ઉપજાઉ બનાવે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં અળસિયાની સંખ્યા વધે છે, જે નેચરલ વૉટર હાર્વેસ્ટિંગનું કામ કરે છે જેના કારણે જમીનમાં પાણીનું સ્તર પણ ઊંચું આવે છે.
રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક દવા અને ખાતરના કારણે આજે અનાજ-શાકભાજીમાં પોષકતત્વોમાં ૪૦ ટકા જેટલો ઘટાડો આવ્યો છે. રાસાયણિક દવા અને ખાતરથી ઉત્પાદિત અનાજ-શાકભાજી ખાવાથી હવે નાની ઉંમરે હાર્ટ એટેક, ડાયાબિટીસ, કેન્સર જેવી બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે તેમાંથી ઉત્પન્ન થતા ધાન્ય પાકો પણ ઝેરયુક્ત બન્યા છે. આવું અનાજ-શાકભાજી ખાવાથી લોકો કુપોષણનો શિકાર બની રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિના ફાયદા જણાવતાં રાજ્યપાલએ ઉમેયું કે, પ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદન વધે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ધરતીમાં ખૂબ મોટી સંખ્યામાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન થાય છે. આ અળસિયા જમીનને પોચી બનાવે છે અને સૂક્ષ્મ જીવાણુઓ નાઈટ્રોજન, પોટાશ જેવા તત્ત્વોને પાકનું ભોજન બનાવે છે. આ ખેતીમાં ગૌ મૂત્ર અને ગોબરથી બનતા જીવામૃત અને ઘનજીવામૃત ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જેથી આરોગ્યપ્રદ ખેતપેદાશોનું ઉત્પાદન થાય છે. તેમણે સૌ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પાછા વળવા આહ્વાન કરીને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહ્વવાન કર્યું છે, ત્યારે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી છે.
આ તકે એસોસિયેશન ઓફ નેશનલ એગ્રીકલ્ચર જર્નાલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ ગજાનંદ ગિરોલકરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના ફેલાવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સતત પ્રયત્નશીલ છે. સમગ્ર દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમણે બીડું ઝડપ્યું છે. એગ્રી એશિયાના આયોજન અધ્યક્ષ ડૉ.ભરત પટેલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરથી પર્યાવરણને ઘણું નુકસાન પહોંચી રહ્યું છે, ધરતી ફક્ત ઉપરથી જ નહીં અંદરથી પણ પ્રદૂષિત બની રહી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે.
રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા આયોજિત આ સંમેલનમાં એસોસિએશન ઓફ નેશનલ એગ્રીકલ્ચર જર્નાલિસ્ટની રાષ્ટ્રીય પુરસ્કાર પસંદગી સમિતિના અધ્યક્ષ વિજયરાવ હુસુકુલે, જૈન ઈરીગેશન સિસ્ટમના માર્કેટિંગ હેડ જય ઠક્કર તેમજ મોટી સંખ્યામાં કૃષિ પત્રકારો, કૃષિ વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો જોડાયા હતા.
આ પણ વાંચોઃ તિરુપતિ લડ્ડુ વિવાદ પર ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકરનું નિવેદન, 1857ના સિપાહી વિદ્રોહની યાદ અપાવી