કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમરેલીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવનિર્મિત બસ પોર્ટનું લોકાર્પણ કર્યું

  • અન્ય રૂ.૨૯૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
  • રૂ.૨૫ કરોડના ખર્ચે રાજમહેલના નવીનીકરણની ભેટ

ગાંધીનગર, 20 સપ્ટેમ્બર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે શહેર અને જિલ્લાને રૂ.૨૯૨ કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી.

ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે ગુજરાતના વિકાસના રોડમેપનો ચિતાર આપતા જણાવ્યુ કે, વડાપ્રધાને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા બસપોર્ટ આપીને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની શરૂઆત કરાવી છે. એ દિશામાં આગળ વધતા આજે અમરેલી ખાતે અત્યાધુનિક બસપોર્ટની શરૂઆત થઈ છે. અમરેલી ખાતે રૂ.૪૨.૪૮ કરોડના ખર્ચે નિર્મિત બસપોર્ટ અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ અત્યાધુનિક એસ.ટી બસ પોર્ટના નિર્માણથી મુસાફરોને આરામદાયક સુવિધાઓ સાથે સગવડતાભરી મુસાફરીનો લાભ મળી રહેશે. એટલુ જ નહિ, આ બસપોર્ટ અમરેલી શહેરની એક નવી ઓળખ બની રહેશે.

આ ઉપરાંત અમરેલીના ઐતિહાસિક રાજમહેલનું રૂ. ૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે તેની શરૂઆત પણ મુખ્યમંત્રીએ કરાવી હતી. વડાપ્રધાનશ્રીએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને સાકાર કરતાં આ રાજમહેલનું નવીનીકરણ કરાશે. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, તેમાં વિકસિત ગુજરાતનો રોડમેપ નિર્ધારિત કરીને આપણે ઝડપભેર આગળ વધવાનું છે.

દરમિયાન વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ વિવિધ વિકાસકાર્યોની ઝલક રજૂ કરતા જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા રૂ.૨૭ કરોડના ખર્ચે નાવલી નદી પર રિવરફ્રન્ટ, સાંસ બંદર પર રૂ.૭૫ કરોડના ખર્ચે બ્રિજ, આંબરડી પાર્કને વિકસાવવા રૂ.૨૭ કરોડ, લાઠી સિવિલ હોસ્પિટલ માટે રૂ.૫૦ કરોડ, જિલ્લાકક્ષાના સ્પોર્ટ્સ સંકૂલના પ્રથમ તબક્કા માટે રૂ.૧૩ કરોડ, રાજમહેલ માટે રૂ.૨૫ કરોડ, ડીવાયએસપી ઓફિસ માટે રૂ.૯ કરોડ, રૂ.૯ કરોડના ખર્ચે મોર્ડન ફાયર સ્ટેશન, બાબરા-જેસંગપરા શાળા માટે રૂ.૩ કરોડ, ઠેબી ડેમ પર રિવરફ્રન્ટ માટે રૂ.૫૦ કરોડ, જિલ્લા સાયન્સ સેન્ટર માટે રૂ.૨૦ કરોડ ફાળવ્યા છે.

આ ઉપરાંત અમરેલી શહેરના રોડ-રસ્તા માટે રૂ.૧૪૦ કરોડ, ગ્રામ્ય વિસ્તારના રોડ માટે રૂ.૧૦૦ કરોડ, અમરેલી-લિલિયા ફોરટ્રેક રોડ માટે રૂ.૨૩ કરોડ, સેન્ટર પોઈન્ટથી રાધેશ્યામ સુધીના આર.સી.સી.રોડ માટે રૂ.૧૨ કરોડ, સિવિલ હોસ્પિટલ માટે રૂ.૧.૫ કરોડના ખર્ચે રસ્તો, કુંકાવાવ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કોલેજ માટે રૂ.૩૬ કરોડના કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. આમાંથી અમૂક કાર્યો સંપન્ન થયા છે અને અમુક કાર્યો દિવાળી આસપાસ કાર્યાન્વિત થવાના છે.

Back to top button