અમરેલીઃ દેવગામ ખાતે ગરીબ પરિવારને મકાન બનાવી આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું, જૂઓ વીડિયો
અમરેલી, 20 સપ્ટેમ્બર, 2024: અમરેલી જિલ્લાના દેવગામમાં માનવતા અને માનવસેવાનું એક ઉત્તમ ઉદાહરણ જાણવા મળ્યું છે. અહીં એક ગરીબ અને નિરાધાર પરિવારને સાવરકુંડલાના એક સેવાભાવી દ્વારા મકાન બનાવી આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે દલાના નવા ઘરનું રીબીન કાપીને સાવરકુંડલાથી આવેલા હિરેનભાઈ વેકરીયા દ્વારા ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. દેવગામ ગરીબ અને નિરાધાર પરિવારના દલાનું મકાન બનાવી આપનાર સાવરકુંડલાથી હિરેનભાઈ વેકરીયા તેમજ તેમની ટીમ દ્વારા દલાને ખૂબ સુંદર મકાન બનાવી આપ્યું હતું તે બદલ સમસ્ત દેવગામ પરિવાર દ્વારા હિરેનભાઈ વેકરીયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
દેવગામ ખાતે સાવરકુંડલાથી આવેલા સેવાકીય વૃત્તિ ધરાવતા અને ગરીબ પરિવારની મદદ કરનાર હિરેનભાઈ વેકરીયાને દેવગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દેવગામમાંથી આલિંગભાઈ વાળા તેમજ તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા દ્વારા હિરેનભાઈ વેકરીયાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ગામમાંથી સરપંચ પ્રભાતભાઈ લાવડીયા નાયબ મામલતદાર સાહેબ કિરીટભાઈ પાઠક જીતુભાઈ રાદડિયા સંજયભાઈ વાળા લાલજીભાઈ પરમાર કનુભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સોશિયલ મીડિયા દ્વારા દલાની પરિસ્થિતિનો વીડિયો બનાવીને શેર કરીને દાતા સુધી પહોંચાડેલ એવા લાલજીભાઈ પરમારનો દેવગામ પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ = પ્રકાશ વઘાસિયા કુકાવાવ
આ પણ વાંચોઃ નવરાત્રિમાં રોમિયોગીરી કરનારની ખેર નહિ, અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર