અમદાવાદ: 15 વર્ષ પહેલા તૈયાર થયેલ 514 EWS આવાસો તોડવામાં આવશે
- કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો જર્જરીત
- અમદાવાદ મહાનગરપાલિકાએ આવાસના મકાનો કોઈને ફાળવ્યા કેમ નહીં?
- વિપક્ષે આ સમગ્ર મામલે બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ કરી
15 વર્ષ પહેલા તૈયાર થયેલ 514 EWS આવાસો તોડવામાં આવશે. તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવામાં 15 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે. 15 વર્ષમાં એક પણ મકાનની ફાળવણી ન થઈ, જેના કારણે મકાનો જર્જરીત થઈ ગયા. મકાનોનો સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા AMC દ્વારા EWS આવાસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવતા વિવાદ થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો, ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું
કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો જર્જરીત
સમગ્ર મામલે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમદાવાદ શહેરમાં આજે પણ ઘણા એવા ઝૂપડપટ્ટી વિસ્તાર છે, જેમને રહેવા મકાન નથી. તો સવાલ એ થાય છે કે, ભાજપ આટલા વર્ષોમાં ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને મકાનો ફાળવી ન શકી. હવે જ્યારે આવાસના મકાન તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવાસ બનાવ્યા તે સમયે હાટકેશ્વર બ્રિજ જેવો મોટો ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ શહેજાદખાને લગાવ્યો છે. વટવામાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો 15 વર્ષ બાદ જર્જરીત થતા AMCએ તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ખાતર પર દિવેલ જેવો ઘાટ સર્જાયો છે. 15 વર્ષ પહેલા 514 મકાનો બનાવવા કરોડોનો ખર્ચ કર્યો, અને હવે આ મકાનો તોડવા માટે પણ કરોડોનો ખર્ચ કરવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાએ આવાસના મકાનો કોઈને ફાળવ્યા કેમ નહીં?
ત્યારે સવાલ એ થાય છે કે આટલા વર્ષો સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ આવાસના મકાનો કોઈને ફાળવ્યા કેમ નહીં? મકાનો ખંડેર જેવા બની ગયા ત્યાં સુધી તેની જાળવણી કેમ ન કરવામાં આવી? વિપક્ષે આ સમગ્ર મામલે આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ કરી છે.