આ રાજ્યએ પાસ કર્યું એવું બિલ કે મિલકતને નુકસાન કરતા પહેલાં કરવો પડશે વિચાર, જાણો શું છે
દેહરાદૂન, 19 સપ્ટેમ્બર : ઉત્તરાખંડમાં રમખાણો ફેલાવનારા આવારાતત્વો પર કડક કાર્યવાહી કરવા માટે ઉત્તરાખંડ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટી ડેમેજ રિકવરી બિલને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. ગેરસાઈન વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકારે આ કાયદાને વટહુકમ તરીકે લાગુ કરવા માટેનું બિલ રજૂ કર્યું હતું.
વિધાનસભાએ આ બિલને રાજ્યપાલની મંજૂરી માટે રાજભવન મોકલ્યું હતું. આ કાયદા હેઠળ હડતાલ, તોફાનો, બંધ અને આંદોલન દરમિયાન સરકારી તેમજ ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડનારાઓ પાસેથી તે નુકસાનીની વસૂલાત કરવામાં આવશે. આ અંગે ક્લેઈમ એજન્સીની રચના કરવામાં આવશે. આમાં કોઈપણ વ્યક્તિ અને સરકારી મિલકતોના સત્તાધિકારી આ ક્લેમ એજન્સીમાં પોતાનો દાવો રજૂ કરી શકશે.
આ દાવો પણ નિશ્ચિત સમય ગાળામાં પતાવટ કરવામાં આવશે, જેથી નુકસાન કરનાર વ્યક્તિને શક્ય તેટલી વહેલી તકે નુકસાનની ભરપાઈ કરી શકાય. જો કોઈ આંદોલન, બંધ વગેરેમાં મિલકતોને નુકસાન થાય તો તે સંબંધિત બંધ અથવા આંદોલનનું આહ્વાન કરનાર નેતા દ્વારા વળતર આપવામાં આવશે. ક્ષતિગ્રસ્ત સંપત્તિના વળતર ઉપરાંત 8 લાખ રૂપિયા સુધીનો દંડ અને હુલ્લડ નિયંત્રણ પરના સરકારી કર્મચારીઓનો ખર્ચ પણ ચૂકવવામાં આવશે.