ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રેલવે ટ્રેક ઉપર થાંભલો આડો પાડીને ટ્રેન ઉથલાવવાનું કાવતરુંઃ લોકો પાયલટની સતર્કતાથી અનેક જિંદગી બચી

Text To Speech

દહેરાદુન, 19 સપ્ટેમ્બર, 2024: રેલવે ટ્રેક ઉપર થાંભલો આડો પાડીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું છતું થયું છે. છેલ્લા થોડા મહિનાથી દેશ વિરોધી તત્વો અલગ અલગ રીતે ટ્રેન અકસ્માતો કરવા પ્રયાસ કરી રહ્યા છે. મોટાભાગના કેસમાં તેમને સફળતા મળે છે, પરંતુ છેલ્લા દસેક દિવસમાં ટ્રેન ઉથલાવવાના આવાં ત્રણ કાવતરાં સફળ થાય તે પહેલાં લોકો પાયલટોની સતર્કતાને કારણે ગંભીર અકસ્માતો બનતા ટળી ગયા છે. આવો જ અત્યંત ગંભીર અને ચોંકાવનારો કિસ્સો ઉત્તરાખંડમાં બન્યો છે.

ભારતીય રેલવેના એક લોકો પાયલટની સતર્કતા અને સૂઝબુઝને કારણે મોટી રેલવે દુર્ઘટના ટળી હતી. આ ઘટના ઉત્તરાખંડના બિલાસપુર રોડ અને રૂદ્રપુર શહેરની વચ્ચે બની હતી. 18 સપ્ટેમ્બરની રાત્રે ટ્રેન નંબર 12091 બિલાસપુર રોડથી રૂદ્રપુર તરફ જઈ રહી હતી. રાતના લગભગ 10 વાગ્યા હતા. ટ્રેન પોતાની ઝડપે ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન લોકો પાયલટે દૂરથી ટ્રેક પર કંઈક રાખેલું જોયું. લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. રાત્રે 10.18 વાગ્યે, લોકો પાયલટે સ્ટેશન માસ્ટર/રુદ્રપુર સિટીને જાણ કરી કે તેને બિલાસપુર રોડ અને રુદ્રપુર શહેર વચ્ચે કિમી 43/10-11 પર ટ્રેક પર 6 મીટર લાંબો લોખંડનો પોલ મળ્યો છે.

લોકો પાઇલટે ટ્રેનને રોક્યા પછી ટ્રેક પર રાખેલા જૂના ટેલિકોમ પોલને હટાવ્યો અને પછી ત્યાંથી ટ્રેનને સુરક્ષિત રીતે રવાના કરી. ઉત્તર રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર આ મામલે એફઆઈઆર નોંધ્યા બાદ આરપીએફએ તપાસ શરૂ કરી છે કે શું ટ્રેનને ગંભીર દુર્ઘટનાનો શિકાર બનાવવાનું આ કોઈ કાવતરું છે? આ કેસમાં જીઆરપીએ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તાજેતરના સમયમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જ્યારે પાટા પર અલગ-અલગ પ્રકારની વસ્તુઓ મૂકીને ટ્રેનોને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં કાનપુર અને અજમેરમાં આવી ઘટનાઓ બની હતી જે બાદ રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. કેટલીક જગ્યાએ પાટા પર લોખંડના ટુકડા રાખવામાં આવ્યા હતા તો કેટલીક જગ્યાએ પથ્થરો મૂકીને ટ્રેનોનો અકસ્માત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરત રિજીયનના ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ

Back to top button