સુરત: ઘરે ઘી વેચવા આવતી મહિલાથી રહેજો સાવધાન, 4 મહિલાએ નવી તરકીબથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી
સુરત, 19 સપ્ટેમ્બર, સુરતના ઈચ્છાપોર કુંભાર મહોલ્લામાં રહેતા પારસી પરિવારની સાસુ-વહુને સસ્તા ભાવે ઘી વેચવા આવેલી ચાર મહિલાઓ પૌરાણિક સોનાના સિક્કા હોવાનું કહી નકલી સિક્કા પધરાવી રૂ. 17.5 લાખ લઇને ત્યાંથી ભાગી છૂટી હતી. પોલીસે આ મામલે અમરોલીમાંથી ત્રણ મહિલા અને રિક્ષાચાલકને ઝડપી લઈ એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે જ બે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ ગેંગ પાસેથી એક રિક્ષા અને 1 લાખ રૂપિયા રોકડાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સોનાના સિક્કા સસ્તા ભાવે વેચાણ કરવાનું કહી નકલી સિક્કા પધરાવી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગની ધરપકડ સુરતની ઈચ્છાપોર પોલીસ દ્વારા કરવામાં આવી છે. ઇચ્છાપોરના કુંભાર મહોલ્લામાં રહેતા ફિરદોશ એરીક ઈચ્છાપોરીયા એએમએનએસ કંપનીમાં કોન્ટ્રાક્ટર છે. જુલાઈમાં સસ્તા ભાવે ચોખ્ખું ઘી વેચવાના બહાને એક ગર્ભવતી સહિત ત્રણ મહિલા પારસી પરિવારના ઘરે પહોંચી હતી. કોન્ટ્રાક્ટરના પત્ની નાઝનીન અને તેમની માતાએ 9 કિલો ઘી રૂ. 4500ના ભાવે ખરીધું હતું. 3 ઓગસ્ટે ફરીવાર પારસી પરિવારના ઘરે જઈને મહિલાઓએ રાણીછાપ પૌરાણિક સોનાના સિક્કા બતાવી તેનું વજન 100થી 150 ગ્રામ જેટલું હતું. આ સિક્કાની સારા પરિવારને વેચી દેવાની ઈચ્છા દર્શાવતાં રૂપિયા ત્રણ લાખ ચૂકવી પારસી પરિવારની સાસુ- વહુએ એ સિક્કા લઈ લીધા હતા.
સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા વ્યક્તિના ઘરે 13 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરના સમયે અઢીથી ત્રણ વાગ્યા આસપાસ ત્રણ મહિલાઓ ઘી વેચવાના બહાને ગઈ હતી અને તેમની સાથે એક ઓટો રિક્ષા ચાલક પણ હતો. આ મહિલાઓ ઘી વેચવાના બહાને ફરિયાદી પાસે ગઈ અને ત્યારબાદ પોતે સોનાના જૂના જમાનાના સિક્કા સસ્તા ભાવે આપે છે તેવું ફરિયાદીને જણાવ્યું હતું અને સોનાના 550 ગ્રામના સિક્કા કે જે સસ્તા ભાવે મળતા હોવાની લાલચમાં ફરિયાદી દ્વારા સૌ પ્રથમ બે સિક્કાની ખરીદી કરવામાં આવી હતી. જોકે, આ બે સિક્કા સાચા હતા અને ત્યારબાદ ફરિયાદીએ કુલ મળીને 14,50,000ના સોનાના સિક્કા મહિલાઓ પાસેથી લીધા હતા.
શરૂઆતમાં જે સિક્કા આપ્યા હતા તે સાચા હતા અને અન્ય સિક્કા ખોટા હતા. જોકે આ બાબતની જાણ ફરિયાદીને થઈ હતી. તેથી ફરિયાદી દ્વારા તાત્કાલિક આ બાબતે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ ગેંગને પકડવા માટે ગેંગ સામે ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ ગેંગ દ્વારા ફરિયાદીને 14,50,000 લઈને ખોટા સિક્કા પધરાવી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે અન્ય વ્યક્તિને પણ ત્રણ લાખ રૂપિયાના ખોટા સિક્કા આપીને તેમની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. આમ આ બંને ગુનામાં કુલ 17 લાખ 50 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું.
આ પણ વાંચો…સુરતના યુવકે અજાણ્યા નંબર પરથી આવેલો વીડિયો કૉલ ઉપાડ્યો અને…