ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

રેલવેટ્રેક પર બેસી વાતો કરતા બે મિત્રો કપાયા: નવસારીમાં ટ્રેનની અડફેટે આવતા બંને મિત્રોના મૃત્યુ થયા

Text To Speech

નવસારી, 19 સપ્ટેમ્બર, દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર ટ્રેન અકસ્માતની ઘટના બની રહી છે. રેલવે સ્ટેશન પર ઘણી વખત લોકો ચાલવા અને વાતો કરવા જતાં હોય છે. ત્યારે નવસારી રેલવે સ્ટેશન પાસેના વિજલપોર રેલવે ફાટક નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર બે યુવકો વાતો કરી રહ્યા હતા ત્યારે જ માલગાડી ત્યાંથી નીકળતા બંને યુવકો કચડાયા હતા. અને બંનેના મૃત્યુ થયા હતા. આ ઘટનાના પગલે આસપાસથી લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યા હતા. બંને મૃતકો યુપીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 10 મહિનામાં જ અહીં સર્જાયેલા અલગ અલગ અકસ્માતમાં 20થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે.

નવસારીના વિજલપોર વિસ્તારમાં રામનગર વિસ્તારમાંથી ફ્રેઈટ કોરિડોરની રેલવે લાઈન પસાર થાય છે. ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડોરના ટ્રેક આસપાસ રહેણાક વિસ્તારો હોઇ રેલવે દ્વારા બંને તરફ પાકી દીવાલ બનાવવામાં આવી છે. પરંતુ કેટલાંક સ્થળો પર દીવાલ તોડી નાખવામાં આવી હોવાથી લોકો અવર જવર કરતા રહે છે. આ વિસ્તારમાં જ રહેતા રામજન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના બે મિત્રો રાત્રિના સમયે ટ્રેક પર જઈને બેઠા હતા. અને વાતો કરી રહ્યા હતા. આ સમયે બંને મિત્રોને ટ્રેન આવી રહી હોવાની જાણ થઈ ન હતી અને બંને ટ્રેનની અડફેટે આવી જતા ઘટનાસ્થળે જ બંનેના મૃત્યુ થયાં હતાં.

આ ઘટનાના પગલે નવસારી પોલીસ અને રેલવે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બંને યુવકોના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને યુવકો મૂળ યૂપીના રહેવાસી હોવાનું અને રોજગારી માટે નવસારીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. નવસારીમાં છૂટક મજૂરી કરી બંને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અહીંથી લોકો અવરજવર કરે છે, જેને કારણે છેલ્લા 10 મહિનામાં જ અનેક અકસ્માતો સર્જાયા છે જેમાં 20થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો…અમદાવાદમાં મહિલા સુરક્ષા માટે સરકારની પહેલ, ઈમરજન્સી કોલ બોક્ષ મૂકાયા

Back to top button