લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ હવે વોકી-ટોકી વિસ્ફોટ! બેથી વધુના મૃત્યુ, ઘણા ઘાયલ
લેબનોન, 18 સપ્ટેમ્બર: લેબનોનમાં મંગળવારે પેજર બ્લાસ્ટ બાદ હવે આજે બુધવારે વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા છે. મળતી માહિતી મુજબ, હિઝબુલ્લાના ત્રણ સભ્યો અને એક બાળકના અંતિમ સંસ્કારના સ્થળે બહુવિધ વિસ્ફોટ થયા હતા. તે લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, જેમના મૃત્યુ એક દિવસ પહેલા પેજર બ્લાસ્ટમાં થયા છે. ત્યારે હવે વોકી-ટોકીમાં થયેલા વિસ્ફોટોમાં બેથી વધુ વ્યક્તિના મૃત્યુની માહિતી મળી રહી છે,જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.
A Hezbollah official says walkie-talkies used by the group exploded as part of blasts heard across Beirut, reports AP
— Press Trust of India (@PTI_News) September 18, 2024
પેજરમાં વિસ્ફોટ થયા હતા
ઉલ્લેખનીય છે કે, મંગળવારે લેબનોનની રાજધાની બેરૂત સહિત સીરિયામાં ઘણી જગ્યાએ પેજર બ્લાસ્ટ થયા હતા. પેજરમાં થયેલા વિસ્ફોટોમાં આઠ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા અને લગભગ 3,000 લોકો ઘાયલ થયા હતા. એક અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઈઝરાયેલે ઓપરેશન સમાપ્ત થયા બાદ અમેરિકાને આ અંગે જાણ કરી હતી. હિઝબુલ્લાએ પેજર બ્લાસ્ટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને બદલો લેવાની ધમકી આપી છે.
ઈઝરાયેલની ચેતવણી
ગત વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર આતંકી સંગઠન હમાસના લડવૈયાઓએ હુમલો કર્યો હતો. ત્યારથી, હિઝબુલ્લા અને ઇઝરાયેલી સેના વચ્ચે લગભગ દરરોજ ગોળીબાર થાય છે. અત્યાર સુધીમાં લેબનોનમાં ગોળીબાર અને હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયેલમાં પણ ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સરહદની બંને બાજુથી હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. ઇઝરાયેલના નેતાઓએ તાજેતરના અઠવાડિયામાં ઘણી ચેતવણીઓ જારી કરી છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સામેની ઝુંબેશ વધુ તીવ્ર બની શકે છે.
આ પણ જૂઓ: બીજા દેશમાં આ રીતે છુપાઈને રહે છે ઇઝરાયેલની સુરક્ષા એજન્સી ‘મોસાદ’ના એજન્ટો