‘ભાઈજાન’ને મળ્યું બંદૂકનું લાયસન્સ, કોણે આપી હતી ધમકી ?
મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને બંદૂક રાખવાનું લાયસન્સ આપ્યું છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કથિત રીતે અભિનેતાને ‘પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા જેવી હાલત’ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ સલમાન ખાન 22 જુલાઈના રોજ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને મળ્યો હતો અને સ્વબચાવનું કારણ આપીને હથિયાર રાખવાનું લાઇસન્સ માંગ્યું હતું. એટલું જ નહીં, અભિનેતાએ તેની સુરક્ષા વ્યવસ્થામાં પણ ઘણા ફેરફાર કર્યા છે.
Actor Salman Khan has been issued an Arms license after he applied for a weapon license for self-protection in the backdrop of threat letters that he received recently: Mumbai Police
(File Pic) pic.twitter.com/ggQQ2E7sLA
— ANI (@ANI) August 1, 2022
ધમકી બાદ સલમાન ખાનની સુરક્ષામાં વધારો
સલમાન ખાને તેની સુરક્ષા વધારીને તેની કારને અપગ્રેડ કરી છે. તે હવે બુલેટપ્રુફ લેન્ડ ક્રુઝરમાં મુસાફરી કરે છે. તમને જણાવી દઈએ કે આ લેન્ડ ક્રુઝરનું નવું વર્ઝન નથી, પરંતુ અભિનેતાએ પોતાની જૂની કારને નવા ફીચર્સ સાથે અપગ્રેડ કરી છે. સલમાન ખાન હવે સફેદ રંગની બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝરમાં મુસાફરી કરશે અને તેની સાથે સશસ્ત્ર સુરક્ષા ગાર્ડની ટુકડી પણ હશે. તમને જણાવી દઈએ કે પહેલા સલમાન ખાન લેન્ડ રોવરથી મુસાફરી કરતો હતો.
કોણે આપી ધમકી?
ઉલ્લેખનીય છે કે, 5 જૂને સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. બાંદ્રાના બેન્ડ સ્ટેન્ડ પ્રોમેનેડ ખાતે સલીમ ખાનના ગાર્ડને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન અને સલીમ ખાનને મળેલા ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું હતું કે તેના હાલ સિદ્ધુ મૂસેવાલા જેવા બનાવવામાં આવશે. નોંધનીય છે કે સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો તેના થોડા દિવસો પહેલા જ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનની હત્યા કરીને 1998ના કાળિયાર શિકારનો બદલો લેવા માંગે છે. રિપોર્ટ્સ અનુસાર, બિશ્નોઈએ ખુદ પોલીસ રિમાન્ડમાં ખુલાસો કર્યો હતો કે તેણે વર્ષ 2018માં સલમાન ખાનની હત્યા માટે તમામ તૈયારીઓ કરી હતી. આ માટે તેણે એક ખાસ રાઈફલ પણ ખરીદી હતી, જેના માટે તેણે 4 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.