ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરશે અદાણી ફાઉન્ડેશન
સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરા, ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન, RSETI (બેન્ક ઓફ બરોડા) સુરત અને મિશન મંગલમ શાખા, ઉમરપાડા દ્વારા ઘાણાવડ ગામ ખાતે સ્વસહાય જૂથની બહેનો ઘરઆંગણે સ્વરોજગારી મેળવી શકે એ માટે એમને વિવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવાના કાર્યક્રમનો પ્રારંભ ગઈ 29મી જુલાઇએ થયો હતો જે દસ દિવસ સુધી ચાલશે. આ સમગ્ર તાલીમ કાર્યક્રમને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ચાલી રહ્યો છે.
ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન, RSETI – સુરત દ્વારા દસ દિવસ ચાલનારા તાલીમ કાર્યક્રમમાં પાપડ, અથાણાં અને મસાલા બનાવતા શીખવવામાં આવશે. તાલીમ લીધા પછી બહેનો આ વસ્તુઓનું ઉત્પાદન કરીને પોતાનો લઘુ ઉદ્યોગ શરૂ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા તાલુકાના છ જેટલાં ગામોમા ખેડૂત, સખી મંડળ, યુવાનોની સાથે મળીને આર્થિક અને સામાજીક વિકાસ માટે ખેતી, પશુપાલન, સ્વરોજગારલક્ષી વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરી છે. થોડા જ સમય પહેલા અદાણી ફાઉન્ડેશન, હજીરાના દ્વારા ઉમરપાડા તાલુકાનાં ઉમરદા ગામમાં આવેલી વનરાજ આશ્રમ શાળામાં કન્યાઓ માટેની હોસ્ટેલનું નિર્માણ કર્યું છે. હાલમાં ચાલી રહેલા તાલીમ કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામના છ સખી મંડળ માંથી કુલ 35 બહેનો ભાગ લઈ રહી છે.
અદાણી ફાઉન્ડેશન વિષે વધુ માહિતી :
અદાણી ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1996માં થઇ હતી, હાલ તે ભારતના 16 રાજ્યો અને તેમાં આવેલા 2,409 ગામોમાં કાર્યરત છે. જેમાં કામ કરતા પ્રોફેશનલ લોકોની ટીમ, લોક ભાગીદારી, સહયોગ અને નવીનતાના અભિગમ સાથે કામ કરે છે. શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સસ્ટેનેબલ આજીવિકાનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા ચાર મુખ્ય ક્ષેત્રો પર જોશભેર કામ કરીને, અદાણી ફાઉન્ડેશન 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શે છે.