ગીતિકા શર્મા કેસના શકમંદ ગોપાલ કાંડાના સમર્થનમાં ભાજપે ઉમેદવાર પાછો ખેંચ્યો!
હરિયાણા, 16 સપ્ટેમ્બર: હરિયાણા વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ દરમિયાન હવે બીજેપી કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હરિયાણાના શાસક બીજેપીના સિરસાના ઉમેદવાર રોહતાશ જાંગરાએ સોમવારે જણાવ્યું હતું કે તેણે સીટ માટે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. આ પછી, એવી સંભાવના છે કે પાર્ટી હરિયાણા લોકહિત પાર્ટીના વડા ગોપાલ કાંડાને સમર્થન આપી શકે છે. ગોપાલ કાંડા સિરસાના વર્તમાન ધારાસભ્ય છે. આ પહેલા કાંડાએ ભાજપ સરકારને પોતાનું સમર્થન આપ્યું હતું.
અગાઉ રોહતાશ જાંગરાએ જણાવ્યું હતું કે, “મેં મારું નામાંકન પાછું ખેંચ્યું છે. આ નિર્ણય રાજ્ય અને દેશના હિતમાં લેવામાં આવ્યો છે. અમારે ‘કોંગ્રેસ મુક્ત હરિયાણા’ સુનિશ્ચિત કરવું પડશે.” પૂછવામાં આવ્યું કે શું તેમણે ગોપાલ કાંડાની તરફેણમાં પોતાનું નામ પાછું ખેંચ્યું છે, જાંગરાએ કહ્યું, “ગોપાલ કાંડાએ અમને (ભાજપ)ને પાંચ વર્ષ સુધી સમર્થન આપ્યું છે. અમે સિરસાના વિકાસ માટે આ નિર્ણય લીધો છે.”
કોંગ્રેસ અને ભાજપ બંને 89 બેઠકો પર ચૂંટણી લડશે
આ પછી કોંગ્રેસની જેમ ભાજપ પણ હવે રાજ્યની 90માંથી 89 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે ભિવાની સીટ સીપીઆઈ(એમ) માટે છોડી દીધી છે. ગયા અઠવાડિયે ભાજપે હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી અને અંતિમ યાદી બહાર પાડી હતી જેમાં પાર્ટીએ સિરસાથી જંગરાને મેદાનમાં ઉતાર્યા હતા.
હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન
ઈન્ડિયન નેશનલ લોકદળે ગુરુવારે કહ્યું કે તે સિરસામાં ગોપાલ કાંડાને સમર્થન આપી રહ્યું છે. INLD બહુજન સમાજ પાર્ટી (BSP) સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડી રહી છે. હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી થશે. સત્તાધારી ભાજપ જીતની હેટ્રિક ફટકારવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેને કોંગ્રેસ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે જે સત્તા વિરોધી લહેરનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.
કોણ હતી ગીતિક શર્મા?
ગીતિકા (23 વર્ષ) શર્માએ વર્ષ 2012 માં અશોક વિહાર સ્થિત તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે સુસાઈડ નોટમાં ગોપાલ કાંડા અને તેમની કંપનીમાં કામ કરતી અન્ય એક કર્મચારી અરુણા ચડ્ડાને આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતાં. ત્યારબાદ ગોપાલ કાંડાને ગૃહ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. થોડા વર્ષો પછી ગીતિકા શર્માની માં અનુરાધા શર્માએ પણ આત્મહત્યા કરી લીધી. તેમણે પણ સુસાઈડ નોટમાં તેમની પુત્રીની આત્મહત્યા માટે ગોપાલ કાંડા અને અરુણા ચડ્ડાને જ જવાબદાર ગણાવ્યા.
વર્ષ 2016માં ગોપાલ કાંડા અને તેમના ભાઈ ગોવિંદ કાંડા વિરુદ્ધ ગેરકાયદેસર સંપત્તિ મામલે પણ આરોપ લાગી ચૂક્યા છે. ફૂટવેયરના બિઝનેસમાં નુકસાન જતાં વર્ષ 1998માં ગોપાલ કાંડાએ રિયલ એસ્ટેટ બિઝનેસમાં ઝંપલાવ્યું. વર્ષ 2009માં ગોપાલ કાંડાએ નેશનલ લોકદળની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. પણ તેમને ટિકિટ ન મળી તો તે અપક્ષ ચૂંટણી લડી અને જીત્યા. એ ચૂંટણીમાં હુડ્ડાની આગેવાનીમાં કોંગ્રેસને બહુમત ન મળ્યો તો ગોપાલ કાંડાની કિસ્મત ખુલી ગઈ અને તેમને મંત્રી પદ મળી ગયું. ત્યાં સુધીમાં તો ગોપાલ કાંડાએ પોતાની એરલાઈન્સ કંપની બનાવી લીધી હતી અને ગીતિકા તેમાંજ નોકરી કરતી હતી. વર્ષ 2012માં ગીતિકા શર્માએ આત્મહત્યા કરી લીધી.