ભારતીય રેલવેએ ‘વંદે મેટ્રો’નું નામ બદલ્યું, હવે આ નામથી ઓળખાશે આ ટ્રેન
- રેલવે દ્વારા આ મેટ્રો ટ્રેનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર: ભારતને આજે સોમવારે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન મળવા જઈ રહી છે. પીએમ મોદી અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે અને મેટ્રો ટ્રેનની સવારી પણ કરશે. આ પહેલા ‘વંદે મેટ્રો’ ટ્રેનને લઈને રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ ‘વંદે મેટ્રો’નું નામ બદલી નાખ્યું છે. હવે આ ટ્રેનને ‘નમો ભારત રેપિડ રેલ’ તરીકે ઓળખવામાં આવશે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વંદે મેટ્રોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.
જૂઓ વીડિયો
🚇 Namo Bharat Rapid Rail: for short-distance travel between cities…#ComingSoon pic.twitter.com/MazJ36CMX5
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 16, 2024
શેડ્યૂલ અને ભાડું શું હશે?
પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, અમદાવાદ-ભુજ વંદે મેટ્રો ટ્રેન (હવે નમો ભારત રેપિડ રેલ) નવ સ્ટેશનો પર ઊભી રહેશે અને 110 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે 5 કલાક 45 મિનિટમાં 360 કિલોમીટરનું અંતર કાપશે. જે ભુજથી સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ જંકશન પહોંચશે. મુસાફરો માટે તેની નિયમિત સેવા અમદાવાદથી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સમગ્ર પ્રવાસ માટે ભાડું 455 રૂપિયા પ્રતિ પેસેન્જર રહેશે.
એક હજારથી વધુ મુસાફરો બેસી શકશે
‘વંદે મેટ્રો’ ટ્રેન અને દેશમાં કાર્યરત અન્ય મેટ્રોની વિસ્તૃત વિગતો આપતા મંત્રાલયે કહ્યું કે, વંદે મેટ્રો મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તેનો ફાયદો એ છે કે, તે યાત્રા ઝડપથી પૂર્ણ કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. ‘વંદે મેટ્રો’ ટ્રેનને ટક્કર વિરોધી ‘કવચ’ જેવી અદ્યતન સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે કહ્યું કે, આ ટ્રેનમાં 12 કોચ હશે, જેમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.
ટિકિટ કેવી રીતે મેળવવી?
રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વંદે મેટ્રો (હવે નમો ભારત રેપિડ રેલ)ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ અને એર કન્ડિશન્ડ છે. મુસાફરો ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકશે. આ ટ્રેનને સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારતની તર્જ પર તૈયાર કરવામાં આવી છે.