રાજ્યમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવ્યો છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 1431 પશુઓના મોત થઈ ચુક્યા છે. હાલ રાજ્યના 20 જિલ્લાઓમાં 54 હજાર 161 પશુઓ આ વાયરસથી સંક્રમિત થયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર સતત સતર્ક થઈ કામગીરી કરી રહી હોવાનુ જણાવ્યુ છે. કૃષિમંત્રી અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે રાજ્યમાં લમ્પી સ્કિન ડિસિઝથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓને સત્વરે સારવાર પુરી પાડીને રસીકરણ પણ કરવામાં આવે છે.
એટલુ જ નહીં રોગિષ્ટ પશુને આઈસોલેશનમાં રાખવા સાથે સંપૂર્ણ તકેદારી સાથે યોગ્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. જેથી કરીને રોગને અન્ય પશુઓમાં પ્રસરતો અટકાવી શકાય. રોગની સારવાર અને નિયંત્રણ માટે રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના પણ કરાઇ છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 8.17 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયું છે. સુરત સિવાયના બાકીના 14 જિલ્લાઓમાં અને જીલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે.
આ પણ વાંચો : રસ્તા રિપેરિંગના કામનું નિરીક્ષણ કરવા માટે મંત્રી જાતે જ ઉતર્યા મેદાને
રાજ્યમાં રસીનો પુરતો જથ્થો ઉપબલ્ધ
ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અસરગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર પુરી પાડવા માટે પશુપાલન વિભાગ દ્વારા તબીબોને સહિતની ટીમો સતત કાર્યરત છે. અસરગ્રસ્ત જિલ્લાઓમા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુથી કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેમા પાંચ સભ્યોની નિમણુક કરાઈ છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઈડલાઈન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત રાઘવજી પટેલે જણાવ્યુ કે આ 20 જિલ્લાઓના અસરગ્રસ્ત 1935 ગામોમાં 54,161 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે તે તમામ 54,161 પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ 1431 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 8.17 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 7.90 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. આ 20 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 222 પશુચિકિત્સા અધિકારીઓ અને 713 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના 332 આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે.