ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે PM Modiના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો શુભારંભ થશે

  • 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવનાર છે
  • 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થશે
  • શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો શરૂ થશે

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે PM Modiના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો શુભારંભ થશે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ 16 સપ્ટેમ્બરે થનાર છે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્ય માટે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવનાર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવનાર છે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થશે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું ₹ 35 રહેશે અને 33.5 કિ.મીનું અંતર 65 મિનિટમાં પૂરું થશે. આ રૂટમાં ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે GNLU, PDEU, Gift City, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે.

શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો શરૂ થશે

મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે. આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી તૈયાર થયો છે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો શરૂ થશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી પહોંચશે.

33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થશે

મેટ્રો રેલના વિસ્તરણનું એક મહત્વનું પાસું સમય અને ખર્ચની બચત છે. સમયાંતરે ટ્રાફિકમાં થતાં વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહેશે. APMC(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થશે, જેનો ખર્ચ માત્ર ₹35 રહેશે. તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે, જેનું ભાડું ₹ 415થી પણ વધારે થાય છે. ઓટોરિક્ષામાં આ ભાડું ₹375 જેટલું રહે છે, જેમાં સમય મેટ્રોની આસપાસ અને તેનાથી વધારે રહે છે. સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.

Back to top button