ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના CM કેજરીવાલની અંતે જેલ મુક્તિ: CBIના કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

  • જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની સુપ્રીમ કોર્ટની બેંચે મોટો નિર્ણય સંભળાવ્યો

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જામીન પર આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની સુપ્રીમ કોર્ટની બેંચે આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે અને કેજરીવાલને 10 લાખના બોન્ડ પર જામીન આપી દીધા છે. CBI કેસમાં કેજરીવાલને જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલને EDના કેસમાં પહેલા જ જામીન મળી ચૂક્યા છે. CBI કેસમાં તે જેલમાં હતા, જેના પર આજે ચુકાદો આવ્યો છે.

 

અગાઉ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે કેજરીવાલની બે અરજીઓ પર પોતાનો ચુકાદો આપવાની હતી. સીબીઆઈ કેસમાં દાખલ કરાયેલી પ્રથમ જામીન અરજી અને બીજી ધરપકડને પડકારતી અરજી પર નિર્ણય આવવાનો હતો. આ કેસમાં છેલ્લી સુનાવણી 5 સપ્ટેમ્બરના રોજ થઈ હતી, જેમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે કેજરીવાલને રાહત આપવાનો સંકેત આપ્યો હતો. જો કે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે, તે બંને પક્ષોને સાંભળ્યા પછી જ પોતાનો ચુકાદો આપશે.

કેજરીવાલના વકીલની દલીલ

કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, કેજરીવાલને નિયમિત જામીન મળવા જોઈએ કારણ કે તેમની જાણી જોઈને ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તેમનું નામ CBI FIRમાં પણ નહોતું. બાદમાં તેમનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યું. કેજરીવાલને રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ યોગ્ય નથી. માત્ર એક જુબાનીના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. નોન-અરેસ્ટને ધરપકડના કેસમાં ફેરવામાં આવ્યું છે. પુનઃ ધરપકડ પહેલા કોઈ નોટિસ પણ આપવામાં આવી ન હતી.

CBIએ શું આપી દલીલ?

સીબીઆઈએ કહ્યું કે, “કેજરીવાલ દારૂ કૌભાંડના મુખ્ય આરોપી છે. તેની સામે પુરાવા છે. કેજરીવાલ સાપ અને સીડીની રમત રમી રહ્યા છે.” સીબીઆઈની ધરપકડને પડકારતી અરજી યોગ્ય નથી. કોઈ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થયું નથી. તપાસના આધારે મેજિસ્ટ્રેટે ધરપકડની મંજૂરી આપી હતી. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તેઓ જેલમાં છે. જોકે, લોકસભાની ચૂંટણી પહેલા પ્રચાર કરવા માટે તેમને ત્રણ અઠવાડિયા માટે જામીન મળ્યા હતા.

આ પણ જૂઓ: અમૃતપાલ સિંઘના સમર્થકો ઉપર મોટી કાર્યવાહી, NIA એના ઠેરઠેર દરોડા

Back to top button