ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: શહેરની આ ગ્રાન્ટેડ શાળામાં પૂરતા વિદ્યાર્થી ન હોવાથી બંધ કરવા નોટિસ

  • ધો.9, 11 અને 12ના વર્ગમાં 25થી 30 જ વિદ્યાર્થી હોવાથી વર્ગ બંધ થશે
  • છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 150 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ હોવાનું જાણવા મળ્યું
  • શિક્ષકોની ભરતી અને ગ્રાન્ટ નીતિમાં બદલાવ ના કરતા આ સ્થિતિ સર્જાઈ

અમદાવાદમાં આવેલી બાપુનગરની રંજન સ્કૂલમાં પૂરતા વિદ્યાર્થી ન હોવાથી બંધ કરવા નોટિસ અપાઈ છે. ખાનગી શાળાઓ તરફનો વાલીઓનો લગાવ અને સરકાર દ્વારા સમયસર ભરતી ન કરાતાં રોજે રોજ ગ્રાન્ટેડ શાળાઓના પાટિયાં પડી રહ્યાં છે. આવી જ રીતે અમદાવાદ શહેરના બાપુનગરની રંજન હાઈસ્કૂલમાં પણ પૂરતા વિદ્યાર્થીઓ ન હોવાથી વર્ગો બંધ કરવા અંગે ડીઈઓ દ્વારા નોટિસ ફટકારાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: યુવાનને ગે એપથી મિત્રતા કરવી ભારે પડી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ધો.9, 11 અને 12ના વર્ગમાં 25થી 30 જ વિદ્યાર્થી હોવાથી વર્ગ બંધ થશે

ડીઈઓની નોટિસના પગલે વાલીઓ અને સ્કૂલના સંચાલકોએ એક વર્ષની મુદત માગી હોવાથી હવે હાલમાં સ્કૂલ બંધ કરવી કે કેમ એ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થીનો રેશિયો જળવાતો ન હોવાથી વર્ગ બંધ થશે. આ સ્કૂલમાં અભ્યાસ કરતાં 125 વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર કરાઈ શકે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળા દીઠ વિદ્યાર્થી સંખ્યાનો રેશિયો નક્કી કરાયો છે. એ મુજબ શહેરની શાળામાં વર્ગ દીઠ 36 વિદ્યાર્થી હોવા ફરજિયાત છે. બાપુનગરની રંજન સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થી થતા નથી. ધો.9, 11 અને 12ના વર્ગમાં 25થી 30 જ વિદ્યાર્થી હોવાથી વર્ગ બંધ થશે. છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 150 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

મોંઘવારી અને ખર્ચમાં વધારો, શિક્ષકોની ભરતી અને ગ્રાન્ટ નીતિમાં બદલાવ ના કરતા આ સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ એકાએક બંધ થઈ રહી છે. સરકારની ગ્રાન્ટ નીતિને કારણે ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 1400 જેટલી ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગ્યા છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટ અને ગ્રાન્ટ નીતિને કારણે સંચાલકો કંટાળીને શાળાઓ બંધ કરવા માટે મજબુર બન્યા છે. ચાલુ વર્ષે 80 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ શાળા બંધ કરવા DEOને અરજી કરી છે. સરકાર દ્વારા અપાતી અપૂરતી ગ્રાન્ટ, મોંઘવારી અને ખર્ચમાં વધારો, શિક્ષકોની ભરતી અને ગ્રાન્ટ નીતિમાં બદલાવ ના કરતા આ સ્થિતિ સર્જાઈ છે.

Back to top button