ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શિમલા મસ્જિદ વિવાદ : ગેરકાયદે ભાગને સીલ કરવાની મુસ્લિમ સમિતિની માંગ

શિમલા, 12 સપ્ટેમ્બર : હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. મસ્જિદને ગેરકાયદે ગણાવીને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ છે. દરમિયાન, મુસ્લિમ કલ્યાણ સમિતિએ ગુરુવારે મસ્જિદના અનધિકૃત ભાગને સીલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને વિનંતી કરી હતી અને કોર્ટના આદેશ મુજબ તેને તોડી પાડવાની ઓફર પણ કરી હતી. આ સમિતિમાં મસ્જિદના ઈમામ અને વક્ફ બોર્ડ અને મસ્જિદ પ્રબંધન સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે.

સમિતિના એક પ્રતિનિધિમંડળે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ભૂપેન્દ્ર અત્રીને એક મેમોરેન્ડમ આપીને આ વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા મુસ્લિમો હિમાચલ પ્રદેશના કાયમી રહેવાસી છે અને સૌહાર્દ અને ભાઈચારો જાળવવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. કલ્યાણ સમિતિના સભ્ય મુફ્તી મોહમ્મદ શફી કાસમીએ જણાવ્યું હતું કે, અમે શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર પાસે સંજૌલી સ્થિત મસ્જિદના અનધિકૃત ભાગને તોડી પાડવાની પરવાનગી માંગી છે.

પીટીઆઈ અનુસાર, સંજૌલી મસ્જિદના ઈમામે કહ્યું, અમારા પર કોઈ દબાણ નથી, અમે અહીં દાયકાઓથી રહીએ છીએ અને આ નિર્ણય હિમાચલી તરીકે લેવામાં આવ્યો છે. અમે શાંતિથી રહેવા માંગીએ છીએ અને ભાઈચારો ચાલુ રહેવો જોઈએ.

દેવભૂમિ સંઘર્ષ સમિતિએ માંગ આવકારી

બીજી તરફ દેવ ભૂમિ સંઘર્ષ સમિતિના સભ્યો જેમણે મસ્જિદમાં અનધિકૃત બાંધકામ સામે વિરોધની હાકલ કરી હતી, તેમણે આ પગલાને આવકાર્યું હતું. સમિતિના સભ્ય વિજય શર્માએ જણાવ્યું હતું કે, અમે મુસ્લિમ સમુદાયના આ પગલાને આવકારીએ છીએ અને વ્યાપક હિતમાં આ પહેલ કરવા બદલ અમે સૌ પ્રથમ તેમને અભિનંદન આપીશું.

હિંદુ સંગઠનોએ બુધવારે સંજૌલી બંધનું આહ્વાન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે મસ્જિદમાં વિવાદિત ઢાંચાને તોડી પાડવા અને રાજ્યમાં આવતા બહારના લોકોના રજિસ્ટ્રેશનની માંગ કરી રહેલા હિંદુ સંગઠનોએ બુધવારે સંજૌલી બંધનું આહ્વાન કર્યું હતું. મસ્જિદમાં કેટલાક માળના અનધિકૃત કે ગેરકાયદેસર બાંધકામનો મામલો મ્યુનિસિપલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગયા ગુરુવારે, હિંદુ જૂથોએ તેમની માંગણીઓને લઈને વિધાનસભા અને સંજૌલીની આસપાસના વિશાળ મેદાનમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 શું છે સંજૌલી મસ્જિદ વિવાદ? 

મસ્જિદના વિસ્તરણના ઉદ્દેશ્ય સાથે, 2007 પછી તેના પરિસરમાં નિર્માણ કાર્ય શરૂ થયું હતું. વર્ષ 2010માં મસ્જિદને ગેરકાયદેસર જાહેર કરીને તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, છેલ્લા 14 વર્ષમાં મસ્જિદમાં ચાર નવા માળ ઉમેરવામાં આવ્યા હતા. આ બાબતે મહાનગરપાલિકા દ્વારા 44 વખત સુનાવણી કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.  ગયા મહિને, લોકોના એક જૂથે દાવો કર્યો હતો કે તેમની જમીન પર મસ્જિદનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે બે સમુદાયો વચ્ચે સંઘર્ષ થયો.  આ વિવાદ બાદ પાંચ માળની આ મસ્જિદ સ્થાનિક અને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી હતી.

Back to top button