તમારું બાળક પણ ફોન જોતા જોતા જમે છે? સુધારી લો આ આદત, નહીં તો પસ્તાશો
- કેટલાંક બાળકો ફોન વગર જમતા જ નથી. આવી સ્થિતિમાં વાલીઓને તેમના બાળકોને જમાડવા માટે ફરજિયાત મોબાઈલ આપવો પડે છે, પરંતુ આ આદત બાળકોની હેલ્થ માટે બિલકુલ સારી નથી
HD ન્યુઝ ડેસ્કઃ આજના ડિજિટલ યુગમાં જન્મ પછી, બાળકો બીજું કંઈ શીખે કે ન શીખે ફોનનો ઉપયોગ કરવાનું તરત શીખી જાય છે. વાલીઓ પણ પોતાના બાળકોના હાથમાં મોબાઈલ આપીને ફ્રી થઈ જાય છે, પરંતુ થોડા સમય માટે આપેલો ફોન ક્યારે બાળકોની આદત બની જાય છે તે ખબર પડતી નથી. ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાંક બાળકો ફોન વગર જમતા પણ નથી. આવી સ્થિતિમાં વાલીઓને તેમના બાળકોને જમાડવા માટે ફરજિયાત મોબાઈલ આપવો પડે છે, પરંતુ આ આદત બાળકોની હેલ્થ માટે બિલકુલ સારી નથી. જો તમારું બાળક પણ ફોન જોયા વગર ભોજન નથી કરતું તો તમારે આ આદતને વહેલી તકે બદલવી જોઈએ. જાણો ફોન સાથે રાખીને જમવાની આદત કેટલી હેલ્ધી અને કેટલી અનહેલ્ધી છે. તેની સાઈડ ઈફેક્ટ્સ શું છે?
પોષણની ઉણપ થાય છે
જ્યારે બાળકો મોબાઈલ જોતા ખોરાક ખાય છે ત્યારે તેમનું ધ્યાન ભોજન કરતા મોબાઈલ પર વધુ રહે છે. આને કારણે, તેઓ ઘણીવાર ખોરાકની માત્રા પર યોગ્ય ધ્યાન રાખી શકતા નથી. કેટલીકવાર તેઓ ખૂબ જ ઓછો ખોરાક ખાય છે, તો ક્યારેક જલ્દી જલ્દી ખાઈને ફ્રી થવા ઈચ્છે છે. ક્યારેક ફોનમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ એક સાથે ઘણું બધું ખાય છે. જેની સીધી અસર તેમના આરોગ્ય પર પડે છે. ઓછો ખોરાક ખાવાથી તેમના શરીરને જરૂરી પોષણ મળતું નથી અને તેની સીધી અસર તેમના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે. તે જ સમયે, વધુ પડતો ખોરાક ખાવાથી સ્થૂળતા, આળસ અને પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે.
ખોરાક સાથે બોન્ડિંગ થઈ શકતું નથી
તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે અમારું બાળક ખોરાક તો લે છે, પરંતુ તેના શરીર પર દેખાતું જ નથી. આવું એટલે થાય છે કારણ કે બાળક ખાવામાં ધ્યાન આપતું નથી. તે માત્ર પેટ ભરવા માટે ઉતાવળમાં ખોરાક ખાય છે. મોબાઈલ જોઈને ખોરાક ખાવાથી બાળકને ન તો ખોરાકનો સ્વાદ ખબર પડે છે કે ન તેની ગુણવત્તા. આવી સ્થિતિમાં બાળકને ખાવાની મજા આવતી નથી. ઘણી વખત બાળકોને એ પણ ખબર પણ હોતી નથી કે તેઓ શું જમી રહ્યા છે.
પાચન શક્તિ નબળી પડે છે
જમતી વખતે મોબાઈલ ફોન જોવાની આદત બાળકોના મેટાબોલિઝમ પર પણ અસર કરે છે. તેનાથી તેમનું મેટાબોલિઝમ નબળું પડે છે. આવું એટલા માટે થાય છે કારણ કે મોબાઈલ જોતા જોતા ખોરાક ખાતી વખતે બાળકો ઘણીવાર ખોરાકને બરાબર ચાવતા નથી અને એમનેમ ગળી જાય છે. જેના કારણે તેમનો ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને તેમની પાચન શક્તિ નબળી પડી જાય છે.
બાળક પરિવારથી દૂર થાય છે
જ્યારે બાળક મોબાઈલનો મિત્ર બને છે ત્યારે તે ધીમે ધીમે પરિવારથી દૂર રહેવા લાગે છે. મોબાઈલ સાથેના અટેચમેન્ટને કારણે બાળકો તેમના માતા-પિતાથી દૂર થવા લાગે છે. જમતી વખતે પણ જો બાળકના હાથમાં મોબાઈલ હોય તો તેનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલ પર જ રહેશે. જો તેની માતા તેને પોતાના હાથે ખવડાવતી હોય, તો પણ તે ત્યાં ધ્યાન આપશે નહીં. આ બધું તેના માનસિક વિકાસ માટે યોગ્ય નથી.
આ પણ વાંચોઃ ભાતને ફરી વખત ગરમ કરવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે? જાણો નુકસાન