પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન સાત લોકો ડૂબ્યા, ત્રણનો બચાવ
પાટણ, 11 સપ્ટેમ્બર 2024,સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો સહિત સાત સભ્યો ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં ગરકાવ થયાની ઘટના સર્જાઈ છે. સ્થાનિક તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા. જ્યારે એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે. અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત બચાવ માટે તરવૈયાઓની ટીમોને કામે લગાડી હતી.
સાત પૈકી ત્રણ લોકોને બચાવી લેવાયા
નદીમાં ડૂબેલા લોકોને બચાવી લેવા માટે કવાયત હાથ ધરાઈ હતી. તેમજ ઘટના સ્થળ પર પાટણ શહેર સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાથી આઠ જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરાઈ હતી. બનાવને પગલે સરસ્વતી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તાત્કાલિક બચાવવા રાહતની કામગીરી હાથ ધરી હતી. જેમાં સાત પૈકી ત્રણ લોકોને બચાવી લેવાયા છે. એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી છે.
ગણેશ વિસર્જન વખતે સરસ્વતી ડેમમાં સાતેક લોકો ડૂબ્યા
હજુ પણ ત્રણ લોકો પાણીમાં ગરકાવ હોવાથી તેઓની શોધખોળ ચાલી રહી હોવાનું પ્રાંત અધિકારી મિતુલ પટેલે જણાવ્યું હતું.પાટણના કોંગી ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જન વખતે સરસ્વતી ડેમમાં પ્રજાપતિ પરિવારના લોકો ડૂબ્યા છે. જેમાંથી બે લોકોને બચાવી લેવાયા છે, હજી કેટલા લોકો ડૂબેલા છે એની ચોક્કસ માહિતી નથી, હાલ તેઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.
આ પણ વાંચોઃકાંકરેજના અરણીવાડા ગામે ખનીજ ચોરી કરતાં 100થી વધુ ડમ્પર અને ટ્રેલરો ઝડપાયા