ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે એક હજાર ઘાણ એટલે કે 3.25 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે

  • ઘાણ બનાવવામાં ૧૦૦ કારીગરો, પેકિંગ માટે ૨૦૦થી ૩૦૦ કારીગરો, અન્ય કામ માટે ૧૦૦થી ૧૫૦ માણસો સેવાઓ આપે છે

પાલનપુર, 11 સપ્ટેમ્બર 2024, શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે. શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા, દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે.

જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે
દર વર્ષે મેળા દરમિયાન ત્રીસથી ચાલીસ લાખ માઇભકતો મેળામાં આવતા હોય છે. મેળામાં આવતા તમામ માઇભકતોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ, પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે.

14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યાં
આ માટે એક ઘાણ માં ૧૦૦ કિલો બેસન, ૧૫૦ કિલો ખાંડ ૭૫ કિલો ઘી- પાંચ ડબા સાથે દોઢ કિલો ઘી, ૨૦૦ ગ્રામ ઈલાયચીનો વપરાશ થાય છે. આ માટે ઘાણ બનાવવામાં ૧૦૦ જેટલા કારીગરો,પેકિંગ માટે ૨૦૦ થી ૩૦૦ કારીગરોને લોડીંગ, રો મટીરીયલ, અને અન્ય કામ માટે ૧૦૦ થી ૧૫૦ માણસો સેવાઓ આપી રહ્યા છે. મેળા દરમિયાન ૧૦૦૦ ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે.એક ઘાણ એટલે લગભગ ૩૨૫ કિલોના હિસાબે મેળા દરમિયાન ૩,૨૫,૦૦૦ કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે. હાલમાં મોહનથાળ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી આવે મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે. અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યાં છે.

રોજના ત્રણથી ચાર લાખ પેકેટ મોહનથાળ પ્રસાદ બને છે
જિલ્લા પુરવઠા અધિકારીસુશ્રી પદ્મિની રાઠોડે જણાવ્યું હતું કે માઈભક્તોની શ્રદ્ધા અનુસાર પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક હજાર ઘાણ બનાવવાનું આયોજન કરાયું છે. દોઢ લાખ કિલો ખાંડ, એક લાખ કિલો બેસન અને બસો કિલો ઈલાયચી પાવડર અને પાંચ હજાર ડબા ઘીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. રોજના ૩ થી ૪ લાખ પેકેટ પ્રસાદ બનાવવાનું આયોજન કરી ૧૪ વિતરણ કેન્દ્રો પર પ્રસાદ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃઅંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને નહીં પડે તકલીફ, QR કોડ આપશે બધી જ માહિતી

Back to top button