હાલમાં રાજ્યમાં ઠેર ઠેર ખરાબ રસ્તાની ફરિયાદ સામે આવી રહી છે. ત્યારે હવે કોઈ યોગ્ય નિરાકરણ ન આવી રહ્યું હોવાની ફરિયાદો મંત્રી સુધી પહોંચતા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી રાષ્ટ્રીય ધોરી માર્ગ 48 પર જાતે જ પહોંચીને નિરીક્ષણ કરતાં જોવા મળ્યા છે. હાઈવે પર મોટા ખાડા અને ટ્રાફિક જામ સમસ્યા વિકરાળ થતાં કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાષ્ટ્રીય ધોરી માર્ગ-48 ની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : અમદાવાદ : સરકાર હસ્તકના 81 તળાવોનો વિકાસ હવે કોર્પોરેશન કરશે
બીજી તરફ દ.ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં છેલ્લા થોડાં દિવસોથી વરસાદ પણ બંધ થઈ ગયો છે. છતાં હાઈ વે ઓથોરિટી અને જવાબદાર એજન્સી દ્વારા કોઈ કામગીરી કરાઈ ના હતી. તેમજ વરસાદ દરમિયાન જે પુરાણ કરવામાં આવ્યું ત્યાં હવે ધૂળ ની ડમરીઓ ઉડતા લોકો હેરાન થઈ રહ્યા છે.
ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરવા ખાતરી
અનેકવાર રજૂઆતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. જોકે હવે લોકો લડત આપવા રસ્તા પર આવતા મામલો ઉગ્ર બન્યો હતો. અને રાજ્ય ના માર્ગ મકાન વિભાગ ના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જાતે જ ટ્રાફિકના અધિકારીઓની સાથે વાતચીત કરી અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓની સાથે વાતચીત કરીને તેમને સૂચના આપી તેમના પ્રશ્નો સાંભળી આગામી ત્રણ દિવસ માં સંપૂર્ણ કામગીરી કરવા સૂચન કરાયું હતું.
ભરૂચ જંકશન પર ટ્રાફિકની મુશ્કેલી
મંત્રી પૂર્ણેશ મોદીએ ભરૂચ નજીક હાઈવે પર ખરાબ રસ્તાના કારણે થતાં ટ્રાફિક જામનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમજ તેમને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. નોંધનીય છે કે હાઈવે નં-48 સૌથી વ્યસ્ત છે. તેમજ ભરૂચ થી લઈ અમદાવાદ તરફ અને દક્ષિણ ગુજરાતમાં સુરત વાપી સુધી રસ્તાનું રિપેરિંગ કામ તાત્કાલિક કરવા માટે પૂર્ણેશ મોદીએ તાત્કાલિક આદેશ આપ્યા છે.
બીજી તરફ કામરેજના ઉભેળ નજીક બની રહેલ બ્રિજની જગ્યા એ બાજુ માં સર્વિસ રોડ પણ કાર્યરત છે. જ્યાં હવે પાકો માર્ગ બનાવી દેવા માંગ કરવામાં આવી છે. તેમજ અનેકવાર રજૂઆતો છતાં આ કામગીરી કરાઈ નહીં હતી. જે બદલ સુરજકુમાર સિંઘ સહિત ના હાઈ વે ઓથોરિટી ના અધિકારી ઓ સામે ગુનો પણ નોંધવા ગ્રામજનો એ કામરેજ પોલીસ માં અરજી આપી છે. અને આગામી 5 દિવસ માં કામગીરી નહીં કરાય તો ફરી રસ્તા રોકો આંદોલન કરવા ચીમકી આપવામાં આવી હતી. આખરે આજે માર્ગ મકાન મંત્રીએ ગ્રામજનોનો રોષ શાંત પાડવા માટે અહીં જાતે જ મુલાકાત લઈને આ ફરિયાદ નું જલ્દી નિરાકરણ લાવવા માટે હૈયા ધરપત આપી હતી. આગામી ત્રણ દિવસમાં રસ્તાની આ કામગીરી પૂર્ણ કરવા માટે ખાતરી આપવામાં આવી છે.