કોલકાતા કેસમાં SCનું ડૉક્ટરોને અલ્ટીમેટમ: આવતીકાલે સાંજ સુધીમાં કામ પર પાછા ફરવાનો આદેશ
- CJI ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે આપ્યો આદેશ
નવી દિલ્હી, 09 સપ્ટેમ્બર: સુપ્રીમ કોર્ટે આજે સોમવારે પશ્ચિમ બંગાળના ડૉક્ટરોને અલ્ટીમેટમ આપ્યું છે. કોર્ટે કહ્યું છે કે, તમામ વિરોધ કરી રહેલા ડોકટરોએ મંગળવારે (આવતીકાલે) સાંજે 5 વાગ્યા સુધીમાં તેમની ફરજ પર પાછા ફરે. જો તેઓ આમ નહીં કરે તો રાજ્ય સરકાર તેમની વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેશે.
કામ પર પાછા ફરો તો નહીં થાય કાર્યવાહી
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે ડૉક્ટરોને આ અલ્ટિમેટમ આપ્યું છે. ખંડપીઠે જણાવ્યું હતું કે, જો ડૉક્ટર 10 સપ્ટેમ્બર મંગળવારના રોજ સાંજે 5 વાગ્યે અથવા તે પહેલાં ફરજ માટે રિપોર્ટ કરે છે તો કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે નહીં.
દર્દીઓની સમસ્યાથી તબીબો અજાણ ન હોય શકે: કોર્ટ
કોર્ટે ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટતા કરી છે કે, ‘જો વિરોધ કરી રહેલા ડોકટરો મંગળવારે સાંજે 5 વાગ્યા અથવા તે પહેલાં ફરજ પર હાજર થશે તો તેમની સામે કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે નહીં. સલામતી અને સુરક્ષાને લગતી તમામ ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે. તેમ છતાં, જો તેઓ સતત કામ પર ગેરહાજર રહે છે, તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે. જે દર્દીઓની સેવા કરવાનો તેમનો ઉદ્દેશ્ય છે તેમની સામાન્ય સમસ્યાઓથી ડૉક્ટરો અજાણ ન હોય શકે.
સારવારના અભાવે 23 દર્દીઓના મૃત્યુ
રાજ્ય સરકારે કોર્ટને કહ્યું કે, ડોક્ટરોના સતત વિરોધને કારણે પશ્ચિમ બંગાળમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા સંકટમાં છે તે પછી સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. વિરોધ પ્રદર્શનને કારણે પશ્ચિમ બંગાળમાં લગભગ 23 લોકોના મૃત્યુ થયા છે. 6 લાખ લોકો સારવાર મેળવી શક્યા નથી.
રાજ્ય સરકારને કાર્યવાહી કરવા આદેશ
મહત્ત્વપૂર્ણ છે કે, કોલકાતાની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ઇન્ટર્ન ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે લોકો વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં તબીબોની હડતાળના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર થઈ રહી નથી.
આ પણ જૂઓ: ‘IC 814’ની મુશ્કેલીઓ વધી: ANIએ આ મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યા, જાણો