Paris Paralympics 2024 : જેવલિન થ્રોઅર નવદીપ સિંહે ગોલ્ડ જીત્યો
- નવદીપના હરીફ ઈરાની ખેલાડી ગેરલાયક ઠેરવવામાં આવ્યો
- રનર સિમરન શર્માએ બ્રોન્ઝ મેડલ જીત્યો
નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર : પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓનું જબરદસ્ત પ્રદર્શન ચાલુ છે. ભારતના નવદીપ સિંહે 7 સપ્ટેમ્બર (શનિવાર)ના રોજ મેન્સ જેવલિન થ્રો (F41) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની 200 મીટર (T12) ઈવેન્ટમાં ભારતની ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ સિમરન શર્માએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બે મેડલ સાથે, પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતની મેડલ સંખ્યા હવે 29 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત અત્યારે મેડલ ટેલીમાં 15મા નંબર પર છે.
ઈરાની ખેલાડીને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો
ફાઈનલ મેચમાં નવદીપ સિંહે તેના બીજા પ્રયાસમાં 47.32 મીટર જેવલિન થ્રો કર્યો, જે તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. જોકે આ ઈવેન્ટમાં ઈરાનનો સાદેગ સયાહ બેત (47.64 મીટર) ટોચ પર હતો, પરંતુ સ્પર્ધા સમાપ્ત થયા બાદ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે ભારતીય એથ્લેટ નવદીપને ફાયદો થયો અને તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ચીનના પેંગ્ઝિયાંગ સન (44.72 મીટર)એ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ઇરાકના વિલ્ડન નુખૈલાવી (40.46 મીટર)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઈરાની ખેલાડીએ કાળા કલરનો ધ્વજ બતાવ્યો હતો
પેરિસ પેરાલિમ્પિક સમિતિએ સાદેગ સયાહ બીટને ગેરલાયક ઠેરવવાના કારણોની વિગતવાર માહિતી આપી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની ખેલાડીએ મેચ દરમિયાન વારંવાર અપમાનજનક ધ્વજ પ્રદર્શિત કર્યો, જેના કારણે તેને સ્પર્ધામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. આ માટે તેને મેચ દરમિયાન યલો કાર્ડ પણ બતાવવામાં આવ્યું હતું. ધ્વજ કાળા રંગનો હતો જેમાં લાલ રંગમાં અરબી ભાષામાં કંઈક લખેલું હતું. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ (WPA) આચાર સંહિતાના નિયમ 8.1 જણાવે છે કે, ‘WPA પેરા એથ્લેટિક્સની રમતમાં અખંડિતતા, નૈતિકતા અને આચરણના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. રમતમાં ભાગ લેતા એથ્લેટ્સ, કોચ, અધિકારીઓ અને વહીવટકર્તાઓની જવાબદારી છે કે તેઓ આ ધોરણોને જાળવી રાખે અને ખાતરી કરે કે રમત ન્યાયી, પ્રમાણિક અને પારદર્શક રીતે રમાય.’
ફાઇનલમાં નવદીપનું પ્રદર્શન
પ્રથમ પ્રયાસ- ફાઉલ
બીજો થ્રો- 46.39 મીટર
ત્રીજો થ્રો- 47.32 મીટર
ચોથો થ્રો-ફાઉલ
પાંચમો થ્રો – 46.05 મીટર
છઠ્ઠા થ્રોમાં ફાઉલ
બીજી તરફ મહિલાઓની 200 મીટર (T12) ઈવેન્ટની ફાઇનલમાં સિમરન શર્માએ 24.75 સેકન્ડના સમય સાથે રેસ પૂરી કરી હતી. આ ઈવેન્ટમાં ક્યુબાના ઓમારા ઈલિયાસ ડ્યુરાન્ડે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓમારાએ 23.62 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. વેનેઝુએલાની પાઓલા અલેજાન્દ્રા લોપેઝ પેરેઝ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. પાઓલાએ રેસ પૂરી કરવામાં 24.19 સેકન્ડનો સમય લીધો હતો.
ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. કુલ 19 મેડલ સાથે, આ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. પેરા એથ્લેટ મુરલીકાંત પેટકરે 1972માં પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ જીતાડ્યો હતો. મુરલીકાંત પેટકર એ જ ખેલાડી છે જેમના જીવન પર બનેલી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ પણ તાજેતરમાં રિલીઝ થઈ હતી.