સ્પોર્ટ્સ ડેસ્કઃ કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભારતીય વેઇટલિફટર્સના અપ્રતિમ પર્ફોર્મન્સે લોકોના દિલ જીતી લીધા હતા. આ દિવસે વેઇટલિફ્ટિંગની ત્રણ ઇવેન્ટ થઈ હતી અને તેમાંથી ભારતને બે ગોલ્ડ મેડલ મળ્યાં હતા. આ સાથે જ ભારતને અત્યાર સુધીમાં કુલ 6 મેડલ મળ્યાં છે અને આ બધા જ વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે. 67 કિલોની પુરુષ કેટેગરીમાં જેરેમી લાલરિનુંગાએ અફલાતૂન પર્ફોર્મન્સથી પહેલો મેડલ જીત્યો હતો. ત્યારબાદ મોડી રાતે અચિંતા શેઉલીએ 73 કિલોની કેટેગરીમાં દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આમ, ભારતે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા છે. આ બધા જ મેડલ વેઇટલિફ્ટિંગમાં મળ્યાં છે.
અચિંતાનું ધમાકેદાર પર્ફોર્મન્સ
અચિંતા શેઉલીએ સ્નૈચ રાઉન્ડ અવ્વલ રહીને પૂરો કર્યો. તેમણે પહેલા પ્રયત્ને 137 કિલો, બીજા પ્રયત્ને 140 કિલો અને ત્રીજા પ્રયત્ને 143 કિલો વજન ઉપાડ્યું હતું. ત્યારબાદ ક્લિન એન્ડ જર્ક રાઉન્ડમાં અચિંતાએ પ્રથમ પ્રયત્ને 166 કિલો વજન ઉંચક્યું હતું. આ પછી બીજા પ્રયત્ને 170 કિલો વજન ઉંચકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ઉંચકી શક્યા નહોતા. ત્યારે ત્રીજા પ્રયાસમાં તેમણે 170 કિલો વજન ઉંચક્યું હતું. અચિંતાએ સ્નૈચ રાઉન્ડમાં 143 કિલો અને ક્લિન એન્ડ જર્ક રાઉન્ડમાં 170 કિલો વજન ઉંચકી કુલ 313 કિલો વજન ઉંચક્યું હતું.
જેરેમી લાલરિનુંગાએ બીજો ગોલ્ડ અપાવ્યો
19 વર્ષીય વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ સ્પર્ધા દરમિયાન ઇજાગ્રસ્ત થયો હોવા છતાં હાર માની નહોતી અને 67 કિલોની પુરુષ કેટેગરીમાં સોનેરી સફળતા મેળવી હતી. તેમણે સ્નૈચમાં 140 કિલો અને ક્લિન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉંચક્યું હતું. આમ, તેમણે કુલ 300 કિલો વજન ઉંચક્યું હતું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સમોઆના વાઇવાપા આઇઓને 263 કિલો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
મિઝોરના જેરેમીએ સ્નૈચના પ્રથમ પ્રયત્ને 136 કિલો વજન ઉંચક્યું હતું અને ગોલ્ડ મેડલ જીતવાની એકદમ નજીક આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે 140 કિલો વજન ઉંચકીને ગેમ્સ રેકોર્ડ બનાવવાની સાથે પ્રથમ જગ્યા પર દાવેદારી મજબૂત કરી દીધી હતી. છેલ્લે જેરેમીએ ત્રીજા પ્રયત્ને 143 કિલો વજન ઉંચકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને સફલતા મળી નહોતી.
ભારતીય વેઇટલિફ્ટરે ક્લિન એન્ડ જર્કના પહેલા પ્રયત્ને 154 કિલો અને બીજા પ્રયત્ને 160 કિલો વજન ઉંચક્યો હતો. ત્રીજા પ્રયત્નમાં તેમણે 164 કિલો વજન ઉંચકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી નહોતી. જો કે, તે છતાં જેરેમીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્લિન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયત્ન દરમિયાન તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. છતાં જેરેમી વધુ બે વખત લિફ્ટિંગ કરવા માટે આવ્યા હતા.
જેરેમી લાલરિનુંગા 2018 યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યાં છે. આ સાથે જ તેમણે 2021ની કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતે ઘાનાને 11-0થી હરાવ્યું
ભારતીય પુરુષ હોકી ટીમે પૂલ-બીમાં ઘાનાને 11-0થી કચડી નાંખ્યું હતું. ભારત માટે આઠ ખેલાડીઓએ ગોલ કર્યા હતા. વાઇસ કેપ્ટન હરમનપ્રીતે સૌથી વધુ ત્રણ અને જુરાજે 2 ગોલ કર્યા હતા. ભારતે પહેલા હાફમાં પાંચ અને બીજા હાફમાં છ ગોલ કર્યા હતા. ગ્રુપ સ્ટેજમાં ભારતનો આગામી મુકાબલો ઇંગ્લેન્ડ સાથે થશે.
ભારતીય બેડમિન્ટન ટીમ સેમિફાઇનલમાં
બેડમિન્ટન મિક્સ્ડ ટીમ ઈવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું. આ સાથે ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. અશ્વિની પોનપ્પા અને સુમિત રેડ્ડીની જોડીએ પ્રથમ મેચમાં ડીરડ્રે જોર્ડન અને જેરેડ એલિયટની જોડીને હરાવી હતી. આ પછી બીજી મેચમાં વર્લ્ડ નંબર 10 લક્ષ્ય સેને વર્લ્ડ નંબર 355 કૈડેન કાકોરાને 21-5, 21-6થી સહેલાઈથી હરાવ્યો હતો. ત્રીજી મેચમાં અક્ષર્શી કશ્યપે જોહાનિતા શોલ્ટ્ઝને 21-11, 21-16થી હરાવ્યો હતો.
સાયકલિંગ ઇવેન્ટ વખતે મોટી દુર્ઘટના સર્જાઈ
કોમનવેલ્થ ગેમ્સમાં લી વેલી વેલોડ્રોમમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં અંગ્રેજ સાયકલ સવાર જોસેફ ટ્રુમેન ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડના સાઇકલ સવાર જોસેફ ટ્રુમેન સાઇકલિંગ ઇવેન્ટ દરમિયાન ભયાનક અકસ્માત બાદ બેહોશ થઇ ગયા હતા. અથડાતાની સાથે જ ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર ટ્રેક પર જ કરવામાં આવી હતી અને બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સ્કેનિંગથી ખબર પડી કે તેમનું હાડકું તૂટી ગયું છે. આવી સ્થિતિમાં તે બાકી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે.
જોશના ચિનપ્પા સ્ક્વોશમાં સેમિફાઇનલમાં પહોંચી
જોશના ચિનપ્પાએ વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની કેટલિન વોટ્સને 3-1થી હરાવી હતી. 18 વાર રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચૂકેલી ચિનપ્પાએ આ મેચ 11-8, 9-11, 11-4, 11-6થી જીતી હતી. હવે તેમનો મુકાબલો અંતિમ-8માં કેનેડાની હોલી નૌટન સામે થશે.
બોક્સિંગઃ હૈદરાબાદની નિખત ઝરીન એકતરફી જીતથી ક્વાર્ટર ફાઇનલમાં
હૈદરાબાદની નિખત ઝરીન 50 KG મહિલા બોક્સિંગની ક્વાર્ટર ફાઇનલમાં એકતરફી જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેમણે રાઉન્ડ ઓફ 16 મેચમાં આરએસસી હેઠળ મોઝામ્બિકની હલીના સ્માઇલ બાગોને હરાવી હતી. જ્યારે કોઈ બોક્સર લડાઈ દરમિયાન અસ્થિર થઈ જાય છે, ત્યારે રેફરી લડાઈ અટકાવે છે અને અન્ય ખેલાડીને વિજેતા જાહેર કરે છે. થોડા સમયમાં જ શિવ થાપા 63.3 KGમાં ભારત તરફથી રમશે.