હવે UPથી સૌરાષ્ટ્ર સુધી હેરાફેરી, ઇન્ડેન ગેસના ટેન્કરમાંથી 52.80 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ, 06 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના અનેક કિસ્સા વારંવાર સામે આવી રહ્યાં છે. હવે છેક ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં દારૂ આવવા લાગ્યો છે. ઉત્તર પ્રદેશથી દારૂ ભરાય ત્યારબાદ રાજસ્થાન અને ત્યાંથી ગુજરાતના ચાર જિલ્લા અને છેક સૌરાષ્ટ્રના રાજકોટ સુધી પહોંચી ગયો છે. રાજકોટ હીરાસર એરપોર્ટ નજીક ઇન્ડેન ગેસના ટેન્કરમાં સંતાડેલ 10,560 દારૂની બોટલો સાથે 52.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એક ટેન્કર સહિત 82.85 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
ટેન્કરમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ તરફથી આવી રહેલ એક ટેન્કરમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના પગલે હીરાસર એરપોર્ટ નજીક ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી હતી. ચોટીલા તરફથી ઇન્ડિયન ઓઇલના માર્કા વાળું ટેન્કર આવતા તેની તપાસ કરી હતી. આ દરમિયાન નંબર પ્લેટ ખોટી હોવાનું માલૂમ પડ્યું હતું અને ચાલકની પૂછપરછ કરતાં તે રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું.
52.80 લાખની કિંમતનો 10,560 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ટેન્કરની તપાસ કરતાં તેમાં છુપાવેલો રૂ. 52.80 લાખની કિંમતનો 10,560 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પુછપરછમાં જાણવા મળ્યું કે, આ ઈન્ડિયન ગેસના ટેન્કરમાં રાજસ્થાનના સપ્લાયરે હરિયાણાથી દારૂનો જથ્થો મોકલ્યો હતો અને આગરા હાઈવે પર મહેન્દ્રકુમારને ચાવી આપી રાજકોટ તરફ આ ટેન્કર રવાના કરવામાં આવ્યું હતું.રાજકોટમાં આ ટેન્કરમાંથી દારૂનું કટીંગ થાય તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચોઃમાણાવદરના બાંટવા પાસે અમદાવાદના બે સેલ્સમેનને માર મારી 1.15 કરોડની લૂંટ ચલાવી