અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

માણાવદરના બાંટવા પાસે અમદાવાદના બે સેલ્સમેનને માર મારી 1.15 કરોડની લૂંટ ચલાવી

Text To Speech

જૂનાગઢ, 06 સપ્ટેમ્બર, 2024 પોરબંદર હાઇવે પર મોડીરાત્રે બાંટવાના પાજોદ ગામ નજીક મોડી રાત્રે અમદાવાદના બે સેલ્સમેનને છરી બતાવી માર મારીને કુતિયાણા તરફથી આવતાં 3 લૂટારા અઢી કિલો સોનું, પાંચ કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં એસપી, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તમામ રોડની નાકાબંધી કરવામાં આવી હતી.

1 કરોડ 15 લાખ 82 હજારનો મુદ્દામાલ લૂંટી ગયા
મળતી માહિતી મુજબ અમદાવાદના માણેકચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીના સેલ્સમેન ધર્મેન્દ્ર જોશી અને ધનરાજ ભાંગડે કુતિયાણા તરફથી પોતાનું ફોર-વ્હીલર લઈ સોમનાથ તરફ જતા હતા. એ સમયે બાંટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતાં આ બંને સેલ્સમેન ઊભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી. જોતજોતાંમાં અચાનક જ બે અન્ય ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનું, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડ અને સેલ્સમેના મોબાઈલ મળી કુલ 1 કરોડ 15 લાખ 82 હજારનો મુદ્દામાલ લૂંટી ગયા હતા.

બાવળના ઝાડી-ઝાંખરામાંથી મોબાઈલ મળી આવ્યા
આ સમગ્ર ઘટનાની જાણ જૂનાગઢ એસપી એસપી હર્ષદ મહેતાને થતાં લોકલ ક્રાઇમ,બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતો અને આ લૂંટારોઓને પકડવા નાકાબંધી કરી હતી.પોલીસે તપાસ કરતાં બાવળના ઝાડી-ઝાંખરામાંથી મોબાઈલ મળી આવ્યા હતા. હાલ પોલીસે આ લૂંટારુઓ કઈ દિશામાં ફરાર થયા છે. એ દિશામાં તપાસ હાથ ધરી છે. આ લૂંટ પહેલાંના સીસીટીવી પણ સામે આવ્યા છે.જેમાં લૂંટનો ભોગ બનેલા બંને સેલ્સમેન માણાવદરમાં સોનીની દુકાનમાં માલની ડિલિવરી કરતા નજરે પડે છે. જે ગતરોજ 4.30 વાગ્યે સોનીની દુકાનમાં ડિલિવરી આપી કુતિયાણા ગયા હતા.જ્યાંથી પરત ફરતી વેળાએ લૂંટની ઘટના બની હતી.

આ પણ વાંચોઃભરકાવાડા પાસે બસમાં બેઠેલા આંગડિયા કર્મી પાસેથી દોઢ કિલો સોનાના દાગીનાની લૂંટ

Back to top button