અમદાવાદ, 06 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં નશાના કારોબારનો વધતો વ્યાપ યુવાનો માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. અમદાવાદ શહેરમાં વટવા GIDCમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજો અને એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવવામાં આવેલા 200 કિલો ગાંજો અને ડ્રગ્સ આરોપીઓ વટવા GIDCમા ડિલિવરી કરે તે અગાઉ જ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી ગાંજો અને ડ્રગ્સ કબ્જે કર્યું છે.આ જથ્થો કોને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ઓડિશાના ત્રણ શખસની ધરપકડ કરવામાં આવી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રક ઝડપી હતી. જેમાં તપાસ કરતા ટ્રકમાંથી ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. અંદાજિત 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા સાથે ઓડિશાના ત્રણ શખસની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા. અમદાવાદની વટવા GIDCમા ડિલિવરી કરવાના હતા. પરંતુ તે અગાઉ જ ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી પાડ્યા છે.આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ડિલિવરી કરીને આવ્યા હોવાની પણ શંકા છે. જેથી તે મામલે તપાસ કરવામાં આવશે.
જે વ્યક્તિને ડિલિવરી આપવાના હતા તેની પણ તપાસ કરાશે
આ ઉપરાંત વટવા GIDCમાં જે વ્યક્તિને ડિલિવરી આપવાના હતા તેની પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદમાં અન્ય કોઈ જગ્યાએ ડિલિવરી આપવામાં હતા કે કેમ અને અગાઉ પણ આ રીતે ગાંજા અને ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ એરપોર્ટ પરથી નાર્કોટિક્ટસ કંટ્રોલ બ્યુરોએ એક ફિલીપાઇન્સ મહિલાની 2.121 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી હતી. ફિલીપાઇન્સથી જીનાલીન પડિવાન લિમોન નામની મહિલા સ્કૂલ બેગમાં 2.121 કિલો ડ્રગ્સ લઇને એરપોર્ટ પરથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહી હતી. NCBની ટીમે એરપોર્ટથી બહાર નીકળતા જ તેની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પોલીસની ઇન્વેસ્ટીગેશન સ્કીલ્સમાં વધારો કરવા સેમીનારનું આયોજન