ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: 189 ખાનગી શાળાઓની કાયમી મંજૂરીના ખેલમાં મોટો ભ્રષ્ટાચાર

  • ચાલુ શૈક્ષણિક વર્ષમાં નવી હાઈસ્કૂલની મંજુરી માટે સમગ્ર રાજ્યમાંથી 426 અરજી આવી
  • 426 અરજી માંથી 237 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી
  • કાયમી મંજુરીના વેરિફિકેશન માટે વર્ગ-2ના અધિકારીઓ પાસે ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા કરવાની હોવાથી વિલંબ

ગુજરાતમાં 189 ખાનગી શાળાઓની કાયમી મંજૂરીના ખેલમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. જેમાં શૈક્ષણિક સત્ર અડધું પૂર્ણ છતાં ખાનગી શાળાઓની કાયમી મંજૂરી અટકી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે નવી 189 ખાનગી હાઈસ્કૂલોને કામ ચલાઉ પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રખડતા ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતા હાઈકોર્ટે AMCની આકરી ઝાટકણી કાઢી

ચાલુ શૈક્ષણિક વર્ષમાં નવી હાઈસ્કૂલની મંજુરી માટે સમગ્ર રાજ્યમાંથી 426 અરજી આવી

મહત્ત્વનું છે કે, આ મંજૂરી જૂન મહિનામાં આપવામાં આવી હતી છતાં હજુ સુધી શૈક્ષણિક સત્ર અડધું પૂર્ણ થઈ ગયું છતાં કાયમી મંજુરીની પ્રક્રિયા જ શરૂ કરવામાં આવી નથી. શિક્ષણ બોર્ડની સ્કૂલ મંજુરીની નીતિમાં પહેલા કામચલાઉ અને પછી કાયમી મંજૂરીના ખેલમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે. બોર્ડની કારોબારીમાં પ્રોવિઝનલ મંજુરી બાદ જિલ્લા કક્ષાએ વેરિફિકેશન બાદ કાયમી મંજુરી આપવાની બોર્ડે જોગવાઈ કરેલી છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં નવી હાઈસ્કૂલની મંજુરી માટે સમગ્ર રાજ્યમાંથી 426 અરજી આવી હતી જે પૈકી 237 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી. નવી મંજૂર થયેલી શાળાઓમાં અંગ્રેજી માધ્યમની 101 અને ગુજરાતી માધ્યમની 88 શાળાનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં 16 અને ગ્રામ્યમાં 12 નવી સ્કૂલોને મંજુરી આપવામાં આવી હતી. મંજુરીની પ્રક્રિયા જૂન મહિનામાં પૂર્ણ થઈ હતી. એ પછી ચાર મહિના બાદ પણ શિક્ષણ બોર્ડે કાયમી મંજુરીની પ્રક્રિયા શરૂ કરી નથી.

કાયમી મંજુરીના વેરિફિકેશન માટે વર્ગ-2ના અધિકારીઓ પાસે ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા કરવાની હોવાથી વિલંબ

બોર્ડના અધિકારીઓ પાસેથી એવુ પણ જાણવા મળ્યુ છે કે, કાયમી મંજુરીના વેરિફિકેશન માટે વર્ગ-2ના અધિકારીઓ પાસે ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા કરવાની હોવાથી વિલંબ થયો છે. જોકે મહત્વની વાત એ છે કે, ક્રોસ વેરિફિકેશનની વાતનો મતલબ એ થાય છે કે અત્યાર સુધીમાં જિલ્લાના અધિકારીઓ મંજુરીની પ્રક્રિયામાં ગોઠવણો કરતાં હશે, એ વાત જુદી છે. પણ હકીકત એ છે કે, શાળાની મંજુરીની પ્રક્રિયામાં શિક્ષણ બોર્ડની જે નીતિ અને નિયમો છે એમાં જ મોટી ખોટ જોવા મળે છે. ખરેખર આ આખીયે પ્રક્રિયા જૂન મહિના પહેલા જ પૂર્ણ કરી દેવી જોઈએ એવી માગ ઉઠી છે.

Back to top button